Gujarat

ડભોઇ વડોદરા રોડ પર પીકઅપ વાન પલટી જતા ડ્રાઇવરનું મોત

By GS TEAM
17 Jun 20251 min read
ડભોઇ વડોદરા રોડ પર પીકઅપ વાન પલટી જતા ડ્રાઇવરનું મોત

 વડોદરા,ડભોઇ વડોદરા રોડ પર આજે સવારે પીકઅપ વાન પલટી ખાઇ જતા ડ્રાઇવરનું મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી છે.

દશરથ ગામ મહાકાળી ફળિયામાં રહેતો સુરેશ ચંદુભાઇ ઠાકોર ( ઉં.વ.૩૩) મૂળ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મોકાના મુવાળાનો વતની છે. સુરેશ ઠાકોર સેફ એક્સપ્રેસ કુરિયરનો ટેમ્પો ચલાવતો હતો. ગઇકાલે સવારે ૧૦ વાગ્યે તે પીકઅપ વાન લઇને છોટાઉદેપુર તથા ડભોઇ તરફ પાર્સલ આપવા માટે ગયો હતો.આજે સવારે તે પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ડભોઇથી વડોદરા તરફ આવવાના રોડ પર સમ્રાટ સ્ટીલના ગોડાઉન પાસે તેણે સ્ટિયરિંગ  પરનો કાબૂ ગુમાવ્યો હતો. પીકઅપ વાન રોડની સાઇડ પરના વીજ થાંભલા સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. ગાડીમાં તે ફસાઇ જતા ફાયરબ્રિગેડની ટીમે આવીને તેને બહાર કાઢ્યો હતો.  પરંતુ, તેનું મોત થયું હતું.