ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ
સુરેન્દ્રનગરથી ભેંસો ભરીને ડ્રાઇવર ભરૃચ જતો હતો
વડોદરા,ટેમ્પામાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓ ભરીને સુરેન્દ્રનગરથી ભરૃચ જતો ટેમ્પો પોલીસે કબજે લઇ ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.
કપુરાઇ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે, આજવા ચોકડી પાસે પશુઓ ભરેલો ટેમ્પો ઉભો રાખ્યો છે. જેથી, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે હરિશભાઇ નામની વ્યક્તિ મળી હતી. તેણે પશુઓ ભરેલો ટેમ્પો બતાવ્યો હતો. પોલીસે ટેમ્પામાં ચેક કરતા ૯ ભેંસો ખીચોખીચ ભરેલી હતી. ડ્રાઇવરે પોતાનું નામ ગોવિંદભાઇ રાજુભાઇ જોગરાણા (રહે. નાગલપુર ગામ, બોટાદ) હોવાનું જણાવ્યું હતું.તેની સાથેના વ્યક્તિએ પોતાનું નામ યશ ઉર્ફે નીરવ રાજુભાઇ ભરવાડ (રહે. કરમણપુરા ગામ, સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગરથી ભેંસો ભરીને ભરૃચ આપવાની હતી. ટેમ્પામાં ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા કરી નહતી. જેથી, પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.