Gujarat

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ

By GS TEAM
30 Jul 20252 mins read
TukuTouch Logo
રૂ.24.78 લાખના દારૂ બિયરના જથ્થા સાથે કુલ રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત

Summarized by AI; it may make mistakes. Check important info

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ

Bharuch Liquor Smuggling : અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અંકલેશ્વર-રાજપીપળા ચોકડી ઉપરથી ઘાસની ઘાસડીઓની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનરને ચાલક સાથે ઝડપી પાડી રૂ.24.78 લાખ ઉપરાંતના દારૂ બિયરના જથ્થા સાથે કુલ રૂ.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરી આપનાર તથા મદદગારી કરનાર અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે અંકલેશ્વર-રાજપીપળા ચોકડી ઉપર વોચ ગોઠવી કન્ટેનર ઝડપી પાડ્યું

અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસ ટીમને  બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ એક બંધ બોડીનું કન્ટેનર સુરતથી વડોદરા તરફ જવા નેશનલ હાઇવે રોડ પરથી પસાર થવાનું છે. જેના આધારે પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વર-રાજપીપળા ચોકડી વડોદરા તરફના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબના કન્ટેનરને રોકી તપાસ કરતા ઘાસની ગાસડીઓની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ચાલક મુસ્તકીમ સોકત ખાન (રહે-હરિયાણા )હોવાનું સામે આવ્યુ હતું.

એક પેટી દીઠ રૂ.300નું કમિશન નક્કી થયું હોવાની આરોપીની પોલીસ સમક્ષ કબુલાત

પરિચિત આદિલખાન (રહે-હરિયાણા) એ જણાવ્યું હતું કે, હું કામ કરું છું તે લાભ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવરની જગ્યા ખાલી છે અને સારો પગાર આપે છે. જેથી છેલ્લા એક મહિનાથી મે લાભ લોજિસ્ટિકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરું છું. આદિલે કહ્યું હતું કે, હું જ્યારે માલ ભરીને જાઉં છું ત્યારે તેમાં દારૂ ભરીને લાવું છું અને મને સારી રકમ મળે છે. જેથી લાલચમાં આવી ગઈ તા.27 જુલાઈના રોજ ભીવંડી મહારાષ્ટ્ર ખાતેથી નીકળી ચારોટી પાલઘર ખાતેથી ઘાસની ઘાસડીઓ ભરી હતી. આદિલે શાહરૂખ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેના આધારે નારોલી રોડ સેલવાસ પહોંચતા એક વ્યક્તિ કન્ટેનર લઈ ગયો હતો અને દારૂનો જથ્થો ભરી પરત આપી ગયો હતો. શાહરુખ સાથે દારૂની એક પેટી દીઠ રૂ.300નું કમિશન નક્કી થયું હતું. ત્યારબાદ આદિલે સાકીર નામના વ્યક્તિનો મોબાઇલ નંબર મોકલ્યો હતો. સાકીરએ કરજણ ટોલનાકા પાસે પહોંચી સંપર્ક કરવા જણાવ્યું હતું. જેથી ચારોટીથી નીકળી વાપી, નવસારી, સુરત થઈ કરજણ તરફ જતા સમય પોલીસે રોક્યો હોવાની કબુલાત આરોપીએ કરી હતી.

કન્ટેનર માંથી બિયરની 47 તથા દારૂની 143 પેટી મળી આવી

પોલીસે રૂ.10 લાખની કિંમતનું કન્ટેનર, રૂ.18,800ની કિંમતની 94 નંગ ઘાસની ગાસડીઓ, રૂ.2.48 લાખની કિંમતના બિયરના 47 પેટીમાંથી 1128 નંગ ટીન, 143 પેટી માંથી રૂ.22.30 લાખની વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો સહિત કુલ રૂ. 35,02,760નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક વિરુધ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વોન્ટેડ શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.