ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર
Bharuch Police : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ખાતેના સુવા ગામ પાસેથી દહેજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી રૂ.3.48 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો આપનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગઈકાલે સાંજે દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર ગલેન્ડા ગામ તરફથી સુવા ચોકડી તરફ પસાર થઈ રહી હોવાની બાતમી દહેજ પોલીસ ટીમને મળતા સુવા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતા તેને ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કારચાલક દિગ્વિજય સરદારસિંઘ બધેલ (રહે-જોલવાગામ, વાગરા, ભરૂચ/મૂળ રહે-મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. કારની તલાસી લેતા વચ્ચેની બેઠક ઉપરથી દારૂનો જથ્થો ભરેલી ચાર થેલીઓ મળી આવી હતી. આરોપીએ આ દારૂનો જથ્થો અંકલેશ્વરના બુતરખાના ખાતે રહેતા આકાશ વસાવા પાસેથી વેચાણ કરવા માટે લાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂ. 46,600ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની 233 બોટલ, કાચની રૂ.1,800ની કિંમતની 9 બોટલ તથા કાર મળી કુલ રૂ.3,48, 400નો મુદામાલ કબ્જે કરી આરોપીની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.