ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર
Bharuch Liquor Smuggling : ભરૂચ એલસીબીએ ભરૂચની એબીસી ચોકડી પાસેથી પસાર થતી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી દારૂની 188 બોટલો સાથે કુલ રૂ.6.61 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે, ઇકો કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરથી આમોદ તરફ જવાની છે. જેના આધારે પોલીસે એબીસી ચોકડી ખાતે વોચ ગોઠવી કારને રોકી હતી. કારચાલક સુરતનો રહેવાસી અશ્વિન ઠાકોરભાઈ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું. કારની તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે રૂ.1,56,025ની કિંમતની દારૂની 188 બોટલ, કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.6,61,025 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસની પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી હતી કે, પોતે દારૂનો ધંધો કરે છે. અને અગાઉ ઘણી વખત જંબુસર અને આમોદમાં બુટલેગરોને ધંધો કરવા માટે છૂટક દારૂ આપી આવ્યો છું. અને સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી દારૂના અડ્ડા પરથી દારૂ ભરી લાવી જંબુસર અને આમોદ ખાતે દારૂના ગ્રાહક શોધવા જતો હતો.