Gujarat

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા

By GS TEAM
13 Dec 20253 mins read
સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા

- પ્લાયવુડની આડમાં દારૂની બેફામ હેરાફેરી 

- વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત 79.89 લાખનો મુદ્દામાલ જપ્ત : 4 વ્યકિત સામે ફરિયાદ 

 આણંદ :  ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આણંદ જિલ્લાના સામરખા નજીક હાઇવે ઉપરથી એક ટ્રકમાં લવાયેલા રૂપિયા ૫૦ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર તથા ક્લિનરને પકડી પાડયા હતા અને ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આણંદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ભાલેજ સામરખા રોડ ઉપર આવેલા એક ઢાબાની સામે વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઉભી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમ સામરખા ચોકડીથી ભાલેજ તરફના એક ઢાબા નજીક પહોંચી હતી જ્યાં પાર્ક કરેલી એક ટ્રક જોવા મળી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં કેબિનમાં ચાલક તથા તેની સાથે અન્ય એક શખ્સ બેઠો હતો. પોલીસે બંનેને અટકમાં લઇ પૂછપરછ કરતા ચાલકનું નામ ઝીનકાન ઉર્ફે અમિત કુમાર દુખા રામ વર્મા (રહે દિલ્હી) અને અન્ય ખીયારામ માંગારામ જાટ (રહે રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે ટ્રકમાં શું ભર્યું છે તેમ પૂછતા ચાલકે પ્લાયવુડ ભરેલું હોવાનું કહી બિલ્ટી રજૂ કરી હતી. જોકે,પોલીસે શંકાને આધારે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા પ્રથમ નજરે પ્લાયવુડની સીટો ભરી હતી. પરંતુ પોલીસે સીટો ખસેડીને જોતા નીચેથી પૂંઠાના બોક્સમાં ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આણંદ ગ્રામ્ય પોલીસની મદદ લઈ ટ્રકને સામરખા આઉટ પોસ્ટ ખાતે લઈ જઈ ટ્રકમાંથી વિદેશી દારૂની ૧૦૪૪ બોટલ મળી આવી હતી. જજેની અંદાજિત કિંમત રૂપિયા ૫૦,૯૧,૨૪૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો પ્લાયવુડની સીટો તથા ટ્રક મળી કુલ રૂપિયા ૭૯,૮૯,૬૬૬ નો મુદ્દામાલ કબજે લઈ ખીયારામ જાટની પૂછપરછ કરતા પોતાની પાસે કંઈ કામ ધંધો ન હોવાથી ઓળખીતા ડ્રાઇવર ઝીન કાન ઉર્ફે અમિતકુમારને વાત કરતા તેણે ચારે એક દિવસ પૂર્વે તેને દિલ્હી બોલાવ્યો હતો અને એક ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તરીકે રહેવા કહ્યું હતું. ત્રણેય દિવસ પહેલા તેને તથા ચાલક જીનકાનને દિલ્હી ખાતેની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ટ્રક ખાલી લઈ જયપુર ખાતે મોકલ્યા હતા અને ત્યાંથી પ્લાયવુડની સીટો ભરીને મુંબઈ ખાતે લઈ જવા કહ્યું હતું. 

પ્લાયવુડની સીટો ભરીને મુંબઈ જતી વખતે ડ્રાઇવર જીનકાને તેના કોઈ ઓળખીતા દીપુ નામના વ્યક્તિ એ વિદેશી દારૂ ટ્રકમાં ભરીને વડોદરા ખાતે લઈ જવાનું કહેતા તેઓ સંમત થયા હતા અને દીપુ નામના શખ્સે એક પીકઅપ ડાલામાં વિદેશી દારૂની પેટીઓ આપી જતા ટ્રકમાં પ્લાયવુડની નીચે સંતાડી હતી. જીન કાને વોટ્સએપ કોલથી દીપુ નામના શખ્સે સાથે વાત કરતો હતો અને આણંદ નજીક આવીને કોલ કરવા તેણે કહ્યું હોવાથી તેવો હાઇવે ઉપર ઉભા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડયા હતા. આણંદ ગ્રામ્ય પોલીસે ઝીનકાન ઉર્ફે અમિતકુમાર દુખરામ વર્મા, ખીયારામ માગારામ જાટ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર દીપુ નામનો શખ્સ અને વડોદરા ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ મળી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.