હાથીખાના વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ
ફોલ્ટ શોધવા છ સ્થળોએ રસ્તો ખોદી નાખ્યો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં
હાથીખાના અનાજ બજાર પાસેના ગેંડા ફળિયા તથા આસપાસના વિસ્તારોમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકળાટ સર્જાયો હોય કોર્પોરેશને ફોલ્ટ શોધવા છ સ્થળોએ માર્ગ ખોદી નાખતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
શહેરના વોર્ડ નં.6માં સમાવિષ્ટ હાથીખાના વિસ્તારના 36 ક્વોટર્સ, મહાવત ફળિયુ, ગેંડા ફળિયુ સહિતના વિસ્તારમાં 200 જેટલા મકાનો આવેલા છે. આ વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી અને દૂષિત મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. કોર્પોરેશને વિસ્તારમાં ઉદ્ભવેલી આ સમસ્યાના ઉકેલ માટે ફોલ્ટ શોધવા મુખ્ય માર્ગ છ સ્થળોએ ખોદી નાખ્યો છે. પરંતુ હજુ સુધી ફોલ્ટ મળી રહ્યો નથી. હાલ ચોમાસાની ઋતુ હોય મુખ્ય માર્ગ ઉપર ખોદકામ થવાથી સમગ્ર વિસ્તારમાં કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં પાછલા 15 દિવસથી પીવાના પાણીનો કકળાટ હોય કોર્પોરેશએ ટેન્કરની સગવડ કરી આપી છે. જોકે, 200 પરિવારો વચ્ચે માત્ર બે ટેન્કરો મળતી હોવાથી પાણી ભરવા રહીશો પડાપડી કરતા માથાકૂટ પણ સર્જાય છે.