મહુવાના કતપર ગામે પીવાના પાણીની સમસ્યા વિકટ બની
- ઉનાળો શરૂ થયો તે પહેલા રજૂઆતો કરી હોવા છતાં પ્રશ્નનો નિવેડો નહીં
- બંદર,પરા, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસ વિસ્તારને સમાંતર નવી લાઈન મળે તો પાંચેક હજાર લોકોનો પ્રશ્ન હલ થઈ શકે
મહુવાના કતપર ગામના પરા, બંદર, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસમાં રહેતા મજૂર, માચ્છીમાર પરિવારોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અધૂરામાં પૂરૂં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો હોય, ગ્રામજનોએ મહુવાના ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈ ધારાસભ્યએ ગત તા.૧૮-૬-૨૦૨૪ અને તા.૩૧-૧-૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીને તેમજ તલાટી મંત્રીએ ગત તા.૩૧-૧-૨૦૨૫ના રોજ ધારાસભ્ય સુધી લોકોના પાણીનો પ્રશ્ન પહોંચાડયો હતો. તેમ છતાં આજદિન સુધી પાણીની જટિલ સમસ્યા યથાવત છે. ત્યારે સાગરપુત્ર ગ્રામશ્રમયોગી વિકાસ સહકારી મંડળી લિ.-કતપરના પ્રમુખે કેબીનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી વલી-ભુતેશ્વર જૂથ યોજના સંપથી પરા, બંદર, લાઈટ હાઉસ વિસ્તાર અને બીપીએલ આવાસને પેરેરલ નવી પીવાના પાણીની લાઈન નાંખવાની મંજૂરી આપી છેવાડામાં વસવાટ કરતા ૪૫૦૦થી ૫૦૦૦ જેટલા ગ્રામજનોનો પીવાના પાણીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.