Gujarat

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

By GS TEAM
2 Mar 20262 mins read
મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

- ઉનાળાની શરૂઆતના પ્રારંભમાં જ

- વાણીયાવડ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવામાં આવી છતાં પાણી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ

નડિયાદ : મહુધા તાલુકાના અલીણા ગામમાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની મુશ્કેલી નિવારવા માટે નવી પાઇપલાઇન નાખવામાં આવી છે. આમ છતાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી ન આવતું હોવાની બુમ ઉઠવા પામી છે. હજુ તો ગરમી શરૂઆત થઇ છે, ત્યારે સ્થાનિક રહીશોને પાણી મેળવવા માટે વલખાં મારવાં પડતા હોય ભારે આક્રોશ વ્યાપ્યો છે.

મહુધા તાલુકાના અલીણા ગામમાં નવી પોસ્ટ પાસે આવેલા વાણીયાવાડ વિસ્તારમાં બે વર્ષ અગાઉ પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે રૂ. ૨.૫૦ લાખ જેટલો ખર્ચ કરી પાણીની પાઇપ લાઈન નાખવામાં આવી હતી. આમ છતાં આ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી આવતું નથી. આ સમગ્ર વિસ્તારમાં પાણી ભરવા માટે ઘેર ઘેર ફરજિયાત પણે મોટર મુકવી પડે છે.જેના કારણે વીજ બીલ વધારે આવે છે.જે અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ પંચાયતના સત્તાધિશો દ્વારા સમસ્યાના ઉકેલ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. નીચાણવાળા વિસ્તારમાં લોકો નળ ખુલ્લા રાખતા હોય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે બીજી બાજુ ઉંચાણવાળા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચતું ન હોય લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આમ પાણી ન આવતું હોય ગૃહિણીઓને કપડા,વાસણ તેમજ નહાવા ધોવા માટે પાણી મેળવવા વલખાં મારવાં પડે છે. ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશો વાણીયાવડ વિસ્તારમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીસોમાંથી માંગણી ઊઠવા પામી છે.