- નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન
- મનપા દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડવા કામગીરી હાથ ધરવામાં આવતા રહીશોએ રાહત અનુભવી
નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નીલકંઠ મહાદેવ નજીક નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી લાઈન નાખવા માટે કરાતા ખોદકામ દરમિયાન પીવાની પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારની સોસાયટીઓમાં પીવાની પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
નડિયાદ શહેરમાં ઠેર ઠેર મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની ડ્રેનેજ લાઈનના સ્થાને નવી લાઈન નાખવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નડિયાદ પશ્ચિમ વૈશાલી સિનેમાથી ઇન્દિરા નગરી તરફ જતા રોડ ઉપર નીલકંઠ મહાદેવ નજીક નવી ડ્રેનેજ લાઇન નાખવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન પીવાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી નીલકંઠ મહાદેવ વિસ્તારને ૩૦૦ જેટલી સોસાયટીઓમાં પીવાના પાણી ન મળતા મુશ્કેલી સર્જાઈ હતી. આ બનાવની જાણ થતા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે મનપા દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવા વ્યવસ્થા ગોઠવવામાં આવતા રહીશોએ રાહત અનુભવી હતી


