Get The App

કપડવંજના રત્નાગીરી રોડ વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું- લાલ આવવાની બૂમ

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
કપડવંજના રત્નાગીરી રોડ વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું- લાલ આવવાની બૂમ 1 - image

- પાલિકાની બેદરકારીના લીધે દિવાળીમાં પાણીની મોકાણ

- પાણી ખરીદીને લેવા લોકો મજબૂર : ગટર, પાણીની લાઈનનું કામ 1 વર્ષથી પૂર્ણ ના થતા લોકોને હાલાકી

કપડવંજ : કપડવંજ ખાતે રત્નાગીરી રોડ ઉપરના વિસ્તારોમાં દિવાળી ટાણે જ પીવાનું પાણી લાલ અને ડહોળું આવતા સ્થાનિક રહીશો હાલાકીમાં મૂકાયા છે. પાલિકાની બેદરકારીના કારણે તહેવારોમાં લોકો પાણીના ખાનગી ટેન્કરો કે બોટલો રૂપિયા ખર્ચીને મંગાવવા મંજબૂર બન્યા છે.

કપડવંજ પાલિકા વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે ગટર લાઈનનું કામ અને ૬ કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈનનું ટેન્ડ નીલકંઠ એજન્સીને અપાયું હતું. કપડવંજમાં ગટર અને પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ અંદાજે એક વર્ષથી કામગીરી હાથ ધરાઈ હતી. 

છતાં હજૂ સુધી પાલિકા વિસ્તાર પાઈપ લાઈન નાખવા ખાડાં ખોદવાની કામગીરી પૂર્ણ નહીં કરાવી શકતા લોકો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. 

ખોદકામ બાદ યોગ્ય પૂરાણ કે લેવલિંગ નહીં કરતા રસ્તાઓ ઉબડખાબડ બન્યા છે.

 ત્યારે પાલિકા અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના લીધે તહેવારોમાં રોડ બિસ્માર બનતા લોકોના જીવનું જોખમ ઉભું થયું હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. ખોદેલા ખાડાઓમાં બે- ત્રણ દિવસ અગાઉ નાગરિકને પડી જવાથી ગંભીર ઈજાઓ થઈ છે. 

ત્યારે પાલિકાના સત્તાધીશોની અણઘડ અને બેજવાબદારભરી કામગીરીના લીધે તહેવારો ટાણે લોકો મુશ્કેલીમાં મુકાતા લોકો સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવી રહ્યા છે. હવે તહેવારો ટાણે જ રત્નાગીરી રોડ વિસ્તારમાં ડહોળું અને લાલ પાણી આવવાનું શરૂ થતા લોકોની દિવાળી બગડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.