વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા
Vadodara Water Shortage : વડોદરા શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીની ભારે તકલીફ સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે વોર્ડ નં. 4માં શહેરના પૂર્વ વિસ્તાર સરદાર એસ્ટેટ-લકુલેશ નગરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. વારંવાર ફોન કરવા છતાં અધિકારીઓ ફોનથી વાત કરવાની પણ તસ્દી નહીં લેતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. લકુલેશ નગરની એકત્ર થયેલી મહિલાઓએ ભારે આક્રોશ સાથે સૂત્રોચાર કરીને થાળીઓ વગાડી ભારે વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર શહેરમાં છેવાડાના વિસ્તારો સહિત નજીકના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી સહિત અનેક સુવિધાઓનો અભાવ છે. સરદાર એસ્ટેટ-લકુલેશ નગર, વોર્ડ નં. 4માં પીવાના પાણી સહિત અનેક સમસ્યાઓ સર્જાઇ છે. છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીથી વંચિત સ્થાનિક લોકોને ટેન્કરો અને પાણીના જગ મંગાવવાની ફરજ પડે છે.
જોકે સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર મોબાઇલ ફોન કરવા છતાં કોર્પોરેશનના પદાધિકારી કે અધિકારી ફોન પર વાત કરવાની તસ્દી પણ લેતા નથી. જ્યારે તંત્ર દ્વારા બાકી વેરા માટે ઢોલ નગારા વગાડીને વ્યાજ સહિત વેરા વસુલાત કરવામાં આવે છે.
પાણીથી ત્રાહિમામ સ્થાનિક ગૃહિણીઓએ આજે પૂર્વ વિસ્તારના લકુલેશ નગરના દ્વારે એકત્ર થઈને તંત્ર અને મેયર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને થાળીઓ વગાડી વિરોધ નોંધાવ્યો હતો.