વડોદરામાં ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા પાલિકાના આવાસના તૈયાર મકાનના ડ્રો કરાતા નથી

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી આવાસ યોજનાના આવાસના મકાનો તૈયાર હોવા છતાં તેના ડ્રો કરવામાં આવતા નથી. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ( ભથ્થું)એ જણાવ્યું હતું કે, આની પાછળ ખાનગી સોસાયટીના મકાનો, પ્લેટો અને ફલેટો વેચવાની ખૂબ મોટી રમત છે. જો સરકારી આવાસના તૈયાર મકાનના ડ્રો થઈ જાય તો અનેક ખાનગી બિલ્ડરના મકાનો અને ફ્લેટ વેચાયા વિના પડ્યા રહે. પરંતુ ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા આપણે ઘણા સમયથી તૈયાર આવાસના ડ્રો કરતા નથી. તેને કારણે લાભાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. બિલ્ડરોના ઇશારે ડ્રો ન થવા દેનાર અધિકારીઓને પકડીને ઘર ભેગા કરવાની તેમણે કમિશનર સમક્ષ માંગ કરી હતી.
આ ઉપરાંત રાજ્ય સરકાર આપણી પાસે પીવાના પાણીના વારંવાર પૈસા માગ્યા કરે છે. તો શું આપણે રાજ્ય સરકાર સાથે પાણી અંગે કોઈ કરાર કર્યો છે? અને રાજ્ય સરકાર તેમની વિવિધ યોજનાઓ અંતર્ગત તેમના પાણી ગમે ત્યારે આપણા શહેરમાંથી પસાર થતી નદીમાં છોડી દે છે અને તેના કારણે ક્યારેક પૂર આવે તો નાગરિકોને મુશ્કેલી ઊભી થાય છે. તો શું આ માટે આપણે તેઓની પાસે પૈસાની માંગણી ન કરી શકીએ? કોર્પોરેશન અને રાજ્ય સરકાર બંને જગ્યાએ ભાજપનું શાસન છે તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરી રાજ્ય સરકાર આપણી પાસે પાણીના પૈસા માગવાનું બંધ કરે તેવું નક્કર આયોજન કરવું જોઈએ. ડ્રો મામલે કમિશનરે જણાવ્યું કે, 400 જેટલા નવા મકાનો તૈયાર છે, તેનો થોડા સમયમાં ડ્રો કરવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે.

