સોસાયટીના માર્ગ ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા હોય લોકોને પસાર થવામાં મુશ્કેલી
સેવાસી પીએમ આવાસ યોજનામાં રહીશો પરેશાન
રહીશોની ચૂંટણી બહિષ્કાર સાથે કોર્પોરેશનની કચેરીને તાળાબંધીની ચીમકી
સેવાસી ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સતત ઉભરાતા ડ્રેનેજના પાણીથી ત્રસ્ત રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વોર્ડ નં. 9 સમાવિષ્ટ દિનદયાલ નગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બાજપાઈ નગર 1 ખાતે પાછલા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. ગટરના ગંદા પાણી સમગ્ર સોસાયટીમાં ફરી વળતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સોસાયટીમાં ઘણા સમયથી પાણીનો ભરાવો હોય તેમાંથી પસાર થતા અનેક લોકો પટકાઈ રહ્યા છે. વિસ્તારમાં તીવ્ર દુર્ગંધની સાથે બીમારીનો વાવર પણ છે. કોર્પોરેશનને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિરાકરણ આવી રહ્યું નથી. જેથી આજરોજ સામાજિક કાર્યકર્તાની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ એકત્ર થઈ સત્તાપક્ષ અને કોર્પોરેશન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, પાણીમાંથી પસાર થતા લપસી પડવાનો ભય સતાવે છે, તહેવારો આવી રહ્યા હોય તેની ઉજવણી કેવી રીતે કરીશું તે પણ એક સવાલ છે, સમયસર વેરો ભરવા છતાં સુવિધા મળી રહી નથી, નવી ડ્રેનેજ લાઈન વહેલી તકે નાખવી જોઈએ. જ્યારે સામાજિક કાર્યકર્તાનું કહેવું હતું કે, રહીશો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, તંત્ર નિદ્રાધીન બનતા લોકમાં નારાજગી છે, ચૂંટણી બહિષ્કાર સાથે કોર્પોરેશનની કચેરીને તાળાબંધી કરીશું.