સુરતમાં ફરી વરસાદના આગમન સાથે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે અને અનેક વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જોકે, આ વરસાદમાં ફરી એક વાર પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કે સુરતીઓને દગો આપ્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. તેમાં પણ સુરત નવસારી રોડ પર લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં ટ્રાફિક સમસ્યા વકરી હતી અને વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં ગઈકાલથી વરસાદના ઝાપટા શરુ થયા છે આજે સવારે પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ સામે ફરી એક વાર સુરતીઓ માટે પાલિકાની સ્ટ્રોમ ડ્રેઈન સિસ્ટમ વિલન સાબિત થઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. હાલમાં શહેરના અનેક રસ્તા ખરાબ છે અને તેમાં પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
આ ઉપરાંત સુરત અને નવસારીને જોડતા ઉધના નવસારી રોડ પર ફરી એક વાર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સુરત નવસારી રોડ પર એક કિલોમીટર સુધી પાણીનો ભરાવો થયો હતો. એક તરફનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં વાહન ચલાવવાની કોશીશ કરતા હતા તો વાહનો બંધ થઈ ગયા હતા. અચાનક પાણીનો ભરાવો થતાં આ રોડનો ઉપયોગ કરીને નોકરી ધંધે જનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.








