Gujarat

કેમિકલવાળું પાણી ડ્રેનેજમાં છોડતા ડાઈંગ યુનિટો સામે સુરત પાલિકાની લાલ આંખ, ઉધનામાં 8 ગેરકાયદે યુનિટના ડ્રેનેજ કનેક્શન કાપી નખાયા

By GS TEAM
11 Jul 20252 mins read
TukuTouch Logo
કેમિકલ છોડતા યુનિટને ક્લોઝર નોટિસ આપવાની જવાબદારી જીપીસીબીની પણ અધિકારીઓ ધારાસભ્યનો પણ ફોન નથી ઉચકતા

Summarized by AI; it may make mistakes. Check important info

કેમિકલવાળું પાણી ડ્રેનેજમાં છોડતા ડાઈંગ યુનિટો સામે સુરત પાલિકાની લાલ આંખ, ઉધનામાં 8 ગેરકાયદે યુનિટના ડ્રેનેજ કનેક્શન કાપી નખાયા

Surat Corporation : સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી પાલિકાની ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ છે. હાલમાં મેયર અને ધારાસભ્યની મુલાકાત અને ફરિયાદ બાદ અત્યાર સુધીમાં 18 યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારબાદ સુરત પાલિકાએ આજે વધુ 8 ગેરકાયદે તપેલા ડાઈંગ યુનિટના ડ્રેનેજ કનેક્શન કાપી નાંખ્યા છે. જોકે, આ કામગીરી બાદ હજી પણ ઉધના વિસ્તારના રસ્તા અને પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલવાળું અને કલરવાળું પાણી બહાર આવી રહ્યું છે. આ સમસ્યા સામે ફરિયાદ કરનારા ઉધના વિસ્તારના ધારાસભ્ય જીપીસીબીના અધિકારીને ફોન કરે છે પરંતુ તેઓ ફોન ઉચકતા ન હોવાનું બહાર આવ્યું છે. 

સુરતમાં ગત રવિવારે પડેલા વરસાદ બાદ ઉધના વિસ્તારમાં કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ અને કલરવાળું પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી અને ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થળ પરથી અધિકારીને ફોન કરીને પગલા ભરવા જણાવ્યું હતું. આ ફરિયાદ બાદ ચાર તપેલા ડાઈંગને જીપીસીબીએ સીલ કરી દીધી હતી. આ ઉપરાંત પાલિકાએ અત્યાર સુધીમાં 14 જેટલા તપેલા ડાઈંગ ડ્રેનેજ જોડાણ કાપી નાંખ્યા છે. આવી સ્થિતિ છતાં હજી પણ સુરતના ઉધના વિસ્તારમાં ઠેર ઠેર કેમિકલવાળું પાણી બહાર આવી રહ્યું છે આવી ફરિયાદ બાદ આજે પાલિકા દ્વારા ઉધના ઝોનમાં 21 તપેલા ડાઈંગની સાઈટ વિઝીટ કરી હતી તેમાં 8 ગેરકાયદેસર તપેલા ડાઇંગના યુનિટના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 તપેલા ડાઇંગના યુનિટો બંધ, હેતુફેર કરી ગેરકાયદેસર તપેલા ડાઈંગનો વપરાશ બંધ કરવામાં આવ્યો છે. 

ઉધના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા જાહેરમાં કે પાલિકાની ડ્રેનેજનું કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યુ છે અને લોકો હેરાન થઈ રહ્યાં છે. આવામાં ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ આગળ આવ્યા છે તેઓએ એવું કહ્યું છે કે સુરત પાલિકા તપેલા ડાઈંગના નળ અને ડ્રેનેજ જોડાણ કાપી શકે છે. બાકી આવા એકમો સામે કામગીરી કરવાની જવાબદારી જીપીસીબીની છે જે પ્રદૂષણ ફેલાવે છે તેને ક્લોઝર આપવું જોઈએ. તેઓ જીપીસીબીના સુરતના અધિકારીને ફોન કરે છે પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી તેવું તેઓએ એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું. જો જીપીસીબીના અધિકારીઓ ધારાસભ્ય નોફોન ઉચકતા ન હોય તો સામાન્ય માણસ જીપીસીબીમાં કઈ રીતે ફરિયાદ કરી શકે તે ચર્ચાનો વિષય બન્યો છે.