સુરત પાલિકાના ઉધના ઝોનમાં ડ્રેનેજની કામગીરીમાં અખાડા કરનારા અધિકારીનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો
Surat Corporation : સુરત પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓની નબળી કામગીરીને પગલે સંખ્યાબંધ પરિવારો ડ્રેનેજ જોડાણથી વંચિત છે તેવી ફરિયાદ બાદ સોમવારે મળેલી ડ્રેનેજ કમિટીની બેઠકમાં ડ્રેનેજની કામગીરી માટે અખાડા કરનારા અધિકારીઓનો ઉધડો લેવાયો હતો. ઉધના ઝોનમાં 50 થી વધુ સોસાયટીઓમાં ડ્રેનેજની સુવિધા નથી તેવી સોસાયટીઓમાં તાત્કાલિક ડ્રેનેજની કામગીરી કરવા માટે સુચના આપવામા આવી છે.
સુરત મહાનગરપાલિકાની સોમવારે ડ્રેનેજ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ અને ગટરના ઢાંકણા ના સમાન રંગ હોવાને કારણે કેટલીક મુશ્કેલી પડે છે તે દુર કરવા માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનના ઢાંકણાના સમાન રંગને પણ દૂર કરીને બંને લાઈનનાં ગટરના ઢાંકણાને અલગ-અલગ રંગ કરવાની સૂચના આપી હતી.
આ ઉપરાંત ઉધના ઝોનના કોર્પોરેટર સોમનાથ મરાઠાએ એક ફરિયાદ કરી હતી. તેમાં ઉધના ઝોનના અધિકારીઓએ ડ્રેનેજ લાઈનની કામગીરી કરાવાને બદલે સર્વેનાં નામે સુવિધા આપવામાં અખાડા કર્યા હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત આ કામગીરી ન થતાં લોકોમાં પાલિકા સામે રોષ ફેલાયો હતો. કામગીરીમાં અખાડા કરનારા અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ ચેરમેને ઉધના ઝોનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે તમામ સોસાયટીઓના ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા માટેની સુચના આપી હતી.