ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી

- દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ
- અનુયાયીઓ દિદાર માટે ઉમટયા : સૌરાષ્ટ્રની નવ દિવસની ધર્મયાત્રા પૂર્ણ કરી મુંબઈ પહોંચ્યા
ચોટીલા : દાઉદી વ્હોરા સમાજના ૫૩માં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન ગુરુવારે સૌરાષ્ટ્રના ૧૪ ગામોની મુલાકાત બાદ મુંબઈ રવાના થતાં હતા. આ પહેલા તેઓએ ચોટીલામાં ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું.
દાઉદી વ્હોરા સમાજના સર્વોેચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) જામનગરશી શરૂ થયેલી તેમની સૌરાષ્ટ્રની નવ દિવસીય યાત્રા દરમિયાન ચોટીલા ખાતે પધાર્યા હતા. ચોટીલાના વ્હોરા સમાજના ઇતિહાસમાં આ પ્રથમ વખતની પધરામણી હતી, જેને પગલે અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સૈયદના સાહેબે ચોટીલામાં આશરે ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અનુયાયી પરિવારોના ખેર ખબર પૂછયા હતા અને ટોકિઝ તથા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરે પગલાં પાડી શુભ આશિષ આપ્યા હતા. ખાસ કરીને, રિનોવેશન પામેલ દાઉદી વ્હોરા સમાજની મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. આસપાસના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં બિરાદરો તેમના દિદાર કરવા માટે ઉમટી પડયા હતા. બાદમાં તેઓ કાર મારફતે હીરાસર એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયા હતા.

