Gujarat

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
3 Apr 20262 mins read
૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર

વડોદરા : વર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે અંદાજે રૃ. ૨૮.૪૭ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી ડો. સંતોષકુમાર ગઢવીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, અરજદાર મુખ્ય સુત્રધાર છે અને તપાસ નાજુક તબક્કામાં છે ત્યારે જામીન આપવા યોગ્ય જણાતુ નથી.

કેસની વિગત એવી છે કે, આ બનાવ અંગે મોહસીનખાન પઠાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાવી હતી કે, આરોપી ડો. સંતોષ ગઢવી જ્યારે વર્ડ વિઝાર્ડ હોસ્પિટલમાં સીઇઓ તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે અન્ય આરોપીઓ સાથે મળી મેડિકલ સાધનોની ખરીદી માટે અલગ-અલગ કંપનીઓને પર્ચેઝ ઓર્ડર આપી, કંપનીના બેંક ખાતામાંથી કરોડો રૃપિયા એડવાન્સ પેટે ચુકવ્યા હતા. જોકે, આ સાધનો ખરેખર મેળવ્યા વિના જ, પોતાના ડ્રાઈવર અને અન્ય માણસોના નામે બોગસ બેંક ખાતા ખોલાવી તેમાં કમિશન અને અન્ય બહાના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

આ કેસમાં ડોક્ટર સંતોષ ગઢવીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલ કરી હતી કે, આ એક સુનિયોજિત વ્હાઇટ કોલર ઇકોનોમિક ક્રાઈમ છે. આરોપીએ હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના અને જૂના સાધનો મંગાવી કંપનીને અને સરકારી તિજોરીનેજીેએસટી ન ભરીને મોટું નુકસાન પહોંચાડયું છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,આરોપી સામે કરોડો રૃપિયાની ઉચાપતનો પ્રથમદર્શનીય કેસ જણાઇ રહ્યો છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા બેંક સ્ટેટમેન્ટ્સ અને સાક્ષીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ પોતાના ડ્રાઈવર અને સ્વીપર જેવા માણસોના નામે ડમી પેઢીઓ બનાવી નાણાંની હેરાફેરી કરી હતી. આરોપી આ સમગ્ર સિન્ડિકેટ ઓર્ગેનાઈઝ ક્રાઈમનો મુખ્ય સૂત્રધારજણાય છે.