માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસ
sed spectroscop
AI-Based Spectroscopy Device For Soil Testing : ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે ખેતી વિષયક અનેક રિસર્ચ કર્યા છે. ડૉ. મધુકાંત પટેલે સોઈલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે. જેમાં વૈજ્ઞાનિક દ્વારા ખેતી ક્ષેત્રમાં ખેડૂતોના સમય અને સંસાધનોની બચત થાય અને સામાન્ય ખેડૂત પણ પોતાના ખેતરમાં જમીન ચકાસણી આસાનીથી થઈ શકે તે AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસ વિકસાવ્યું છે.
સોઇલ ટેસ્ટિંગ માટે AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસ
ખેડૂતો અને ખેતી વિષયક ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યા બાદ ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસ વિકસાવ્યું છે. જેમાં માટીની ચકાસણી કરવામાં આવે છે. ડૉ. મધુકાંત પટેલનું ઉપકરણ માટી પર પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ), દ્રશ્યમાન (વિઝિબલ લાઇટ)અને પારરક્ત (ઇન્ફ્રારેડ) એમ ત્રણ પ્રકારના પ્રકાશ ફેંકીને માટીમાં રહેલા પોષકતત્ત્વોની પ્રમાણ જાણી લે છે. તેમણે નેનો ટેકનોલોજીની મદદથી ધાતુના સળિયા વિકસાવ્યા છે, જે માટીના સંપર્કમાં આવી તેના અન્ય ગુણધર્મ પણ માપી શકે છે. મહત્ત્વનું છે કે, આ ડિવાઈસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ, કાર્બનિક તત્ત્વોને પણ માપી શકે છે, જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે. પરંપરાગત સોઈલ ટેસ્ટિંગમાં આ તત્ત્વો/સજીવો/જીવાણુઓની હાજરી પારખી શકાતી નથી.
ડૉ. મધુકાંત દ્વારા બનાવેલા AI આધારિત સ્પેક્ટ્રોસ્કોપી ડિવાઇસને રાજ્ય સરકારના ખેતી નિયામકની કચેરી દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબરેશનની મંજૂરી આપવામાં આવી છે. ડૉ. પટેલનું કહેવું છે કે, 'આ ડિવાઇસને જમીનમાં ભોંકતા માત્ર 10-15 સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે. આથી સ્થળ ઉપર જ ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકાય છે.'
ખેતી લાયક જમીન સહિતમાં ગુણવત્તાયુક્ત અને પૂરતા પ્રમાણમાં પાક મળી રહે તે માટે યોગ્ય જમીન હોવી આવશ્યક છે. જેમાં જમીનની ગુણવત્તા, પોષક તત્ત્વોની હાજરી સહિતની ચકાસણી માટે સોઈલ હેલ્થ ટેસ્ટિંગ કરવામાં આવે છે. રાજ્યમાં ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ની માર્ગદર્શિકા મુજબ સરકારી 20 જેટલી અને સહકારી 2 સોઈલ ટેસ્ટિંગ લેબ આવેલી છે. લેબમાં નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K) પોષક જેવાં તત્ત્વો તેમજ PH વેલ્યુ, ઇલેક્ટ્રીકલ કંડક્ટિવિટી(EC) માટીના ગુણધર્મોની ચકાસણી થાય છે. જેમાં અંદાજે 10-12 દિવસ જેટલો સમય લાગતો હોય છે.