વિશ્વમંચ પર વડોદરાનો ડંકો : વડોદરાના ડૉ.જિતેન્દ્ર પટવારીએ 'ચક્ર હીલિંગ' વિષયમાં વિશ્વની પ્રથમ પીએચડી મેળવી
Vadodara : વડોદરાના રહેવાસી અને SBI ના નિવૃત ચીફ મેનેજર ડૉ.જિતેન્દ્ર પટવારી આજે વિશ્વમાં ભારતના પ્રાચીન અમૂલ્ય જ્ઞાનના વારસાને ફેલાવી રહ્યા છે. તેઓ પ્રખ્યાત લેખક, વૈશ્વિક વક્તા, લાઈફ કોચ, કાઉન્સેલર, હિપ્નોથેરાપીસ્ટ વગેરે અનેક રીતે પ્રસિદ્ધિ મેળવી ચુક્યા છે. 64 વર્ષની ઉંમરે, ડૉ.પટવારીએ ‘ચક્ર હીલિંગ’ જેવા અગમ્ય વિષય પર વિશ્વની પ્રથમ પીએચડી પ્રાપ્ત કરી, ભારતની જ્ઞાન વિરાસતને નવી ઊંચાઈ અપાવી છે.
ચક્ર વિજ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈશ્વિક માન્યતા અપાવતી આ અનોખી સિદ્ધિ છે.આ પીએચડી તેમને તેમની કૃતિ ‘ચક્રસંહિતા’ આધારિત મૂલ્યવાન મહાનિબંધ માટે આપવામાં આવી છે. ‘ચક્રસંહિતા’ માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ શારીરિક આરોગ્ય, માનસિક ભાવનાઓ અને આધ્યાત્મિક ઊંચાઈ-આ ત્રણે પરિપ્રેક્ષ્યમાં અતિ ઉપયોગી અનોખું પુસ્તક છે. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ આ ગ્રંથ ટૂંક સમયમાં અંગ્રેજીમાં પણ પ્રકાશિત થશે. ‘ચક્રસંહિતા’ એ ચક્ર હીલિંગ પર ભારતીય ભાષામાં પ્રથમ અને એકમાત્ર સમગ્ર દસ્તાવેજરૂપ માર્ગદર્શિકા છે, જે ડૉ.પટવારીના 25 વર્ષથી વધુના અનુભવ અને સંશોધનથી પ્રેરિત છે.
આ ડોક્ટરેટ યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલી ઝોરાસ્ટ્રીઅન કોલેજના માધ્યમથી વિશ્વવિખ્યાત રશિયન યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવી હતી. મેડિસિના અલ્ટરનેટિવાની 39મી વર્લ્ડ કોંગ્રેસ દરમ્યાન મુંબઈના રશિયન હાઉસ ખાતે યોજાયેલ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં, રશિયા, ઈરાન, બેલારુસના કોન્સ્યુલ જનરલો અને અન્ય અનેક રાજદ્વારીઓની ઉપસ્થિતિમાં આ કોન્વોકેશન સંપન્ન થયું હતું.