બી.સી.એ.(બરોડા ક્રિકેટ એસોસિએશન)ના વર્ષ ૨૦૨૬-૨૦૨૯ના કાર્યકાળ માટેની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આજે પ્રથમ દિવસે માત્ર બે જ ઉમેદવારી ફોર્મ જમા થયા છે, જેમાં સત્યમેવ જયતે ગ્રુપના ડો. દર્શન બેંકરે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદે પોતાની દાવેદારી નોંધાવી છે. બીજી તરફ, રોયલ અને રિવાઇવલ જૂથના પત્તા ખુલ્યા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે, ત્યારે હાલ બી.સી.એ.ની ચૂંટણીના રાજકારણ પર સૌની નજર મંડાયેલી છે.
આગામી તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે બી.સી.એ.ની ચૂંટણી યોજાવાની છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ સચિવ, માનદ સંયુક્ત સચિવ, માનદ ખજાનચી તથા એપેક્સ કાઉન્સિલના સભ્યો સહિત કુલ ૩૧ પદો માટે મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ મેળવવાની તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરી હતી, જેમાં કુલ ૭૦૨ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે ભરેલા ફોર્મ જમા કરાવવાની તા. ૧૭ અને ૧૯ જાન્યુઆરી છે.
આજે ડો. દર્શન બેંકર પત્ની તથા ટેકેદાર જતીન વકીલ સાથે બી.સી.એ. ઓફિસે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સત્તાધીશોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટથી રાહત મળતા સત્યનો વિજય થયોછે. મતદારો, એસોસિએશન, ક્રિકેટ અને ક્રિકેટરોના હિતમાં પ્રમાણિકતાથી કામગીરી કરી વહીવટમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ રહેશે. ક્રિકેટર સિલેક્શન પ્રક્રિયામાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી લાવવામાં આવશે અને મજબૂત ટીમ સાથે આ ચૂંટણી લડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. ૨૦ જાન્યુઆરીએ છે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ તા. ૨૧ જાન્યુઆરી છે, અંતિમ ઉમેદવારોની યાદી તા. ૨૨ જાન્યુઆરીએ અને ચૂંટણીના પરિણામો તા.૧૬ ફેબ્રુઆરીએ જાહેર થશે.


