Gujarat

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય

By GS TEAM
9 Sep 20252 mins read
બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય

વડોદરાઃ બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ડોક્ટર ફરાર થઇ જતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ ત્રણ ટીમો બનાવી છે.

પીઆઇએ કહ્યું હતું કે,આરોપીનો મોબાઇલ સ્વીચ ઓફ છે.જેથી તેનું સર્વેલન્સ ચાલી રહ્યું છે.હાલમાં તેનો કોઇ પત્તો મળતો નથી અને અમારી ટીમો સંપર્ક સ્થાનો પર તપાસ કરી રહી છે.

બીજીતરફ ડો.ચિરાગ આજે આખો દિવસ તેમના ડિપાર્ટમેન્ટમાં પણ દેખાયા  નહિ હોવાની માહિતી મળી છે.

સ્યુસાઇડ પ્રિવેન્શન ડે નિમિત્તે આવતી કાલે સયાજી હોસ્પિટલના

સાયકિયાટ્રિસ્ટ વિભાગના સેમિનારમાં ડો.ચિરાગ હાજર નહિ હોય

સાયકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર એ.પી.ડો.ચિરાગ બારોટ સામે ફરિયાદ નોંધાયા બાદ તા.૧૧મીએ યોજાનારા ડિપાર્ટમેન્ટના સેમિનાર સહિતના કાર્યક્રમો  પહેલાં તેમનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આવતીકાલે તા.૧૦મીએ સ્યુસાઇડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે.જેને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તા.૧૧મીએ સેમિનાર તેમજ બીજા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આ કાર્યક્રમોનો હેતુ વિદ્યાર્થીઓને સ્યુસાઇડ કરતા અટકાવવાનો છે.જેમાં બહારથી પણ નિષ્ણાંતો આવનાર છે.આ કાર્યક્રમો પહેલાં જ ડિપાર્ટમેન્ટના સિનિયર એસો.પ્રોફેસર સામે ફરિયાદ નોંધાતા તેઓ હાજર રહી શકે તેવી શક્યતા નથી. આ ઉપરાંત ડો.ચિરાગ પોલીસ સાથે પણ ડ્રગ્સની લત છોડાવવા માટેના એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટી સેન્ટરમાં યોગદાન આપતો હતો.

મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,પીડિતા લગ્નની વાત કરે ત્યારે આરોપી સાથે બોલાચાલી થતી હતી અને આરોપી ડોક્ટર દ્વારા તેને ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.જેથી પોલીસ દ્વારા આરોપી પકડાય ત્યારબાદ તેનો મોબાઇલ કબજે કરી ફોરેન્સિકમાં મોકલવામાં આવશે.આ ઉપરાંત આરોપી પકડાય તો તેણે ક્યાક્યા સ્થળે દુષ્કર્મ આચર્યું હતું તેની પણ વિગતો ખૂલશે.