| (IMAGE - IANS) |
Dr. Babasaheb Ambedkar Open University New Fee Circular: ગુજરાતની એક માત્ર સરકારી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ યુનિવર્સિટી એવી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સમાં તેમજ જુદી જુદી સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ફી અલગ અલગ હતી એટલે કે છોકરીઓની ફી છોકરાઓ કરતાં ઓછી હતી પરંતુ હવે બંને માટે એક સરખી ફી કરીને ફી વધારા સાથે નવી પાંચ હજાર રૂપિયા વાર્ષિક ફી કરવામાં આવી છે. જ્યારે બેચલર ઑફ એજ્યુકેશન(ઓપન એન્ડ ડિસ્ટન્સ)માં સંપૂર્ણ કોર્સની ફી 20 હજારથી વધારીને 35 હજાર અને બેચરલ ઑફ સ્પેશલ એજ્યુકેશનની ફી 30 હજારથી વધારીને 45 હજાર રૂપિયા કરવામાં આવી છે.
મફત શિક્ષણના સ્થાને ફીમાં જંગી વધારો કરાતા ભારે રોષ
આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુજી-પીજી અને પીએચડી સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે આંબેડકર યુનિવર્સિટીની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા તમામ કોર્સમાં નવી ફી નક્કી કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ફરિયાદ ઉઠાવવામાં આવી છે કે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને વિદ્યાર્થિનીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત હતી. પરંતુ ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કરાયો છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે આંબેડકર યુનિ.દ્વારા 73થી વધુ અભ્યાસક્રમો સાથે 500 જેટલા સ્ટડી સેન્ટરો ચલાવવામાં આવે છે.
છોકરા-છોકરીઓ માટે અલગ ફીના બદલે હવે તમામ માટે ₹5000 સમાન ફી
યુનિ.ના સત્તાધીશો દ્વારા બીએમાં છોકરાઓ માટે 178 ટકા અને છોકરીઓ માટે 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. બીએમાં અગાઉ છોકરાઓ માટે 1800 અને છોકરીઓ માટે 1200 વાર્ષિક ફી હતી જેમાં હવે સમાનપણે એક સરખી 5000 ફી કરવામાં આવી છે. એક બાજુ સગવડો અને સુવિધા તેમજ બ્યુટીફિકેશન માટે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ થાય છે ત્યારે બીજી બાજુ સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે જંગી ફી વધારો કરવામાં આવ્યો છે.
સ્ટડી મટીરિયલ, પ્રિન્ટિંગ અને ડિલિવરી ખર્ચમાં થયેલા વધારાને કારણે નિર્ણય
જ્યારે બીજી બાજુ આ અંગે યુનિવર્સિટીનું કહેવું છે કે 19 વર્ષથી કોઈ જ ફી વધારો કરાયો ન હતો. કારણકે વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ મટીરિયલ પણ યુનિ. દ્વારા અપાય છે અને એટલું જ નહીં ઘરે પણ મોકલવામાં આવે છે જેથી કોર્સ તૈયાર કરાવવાથી માંડી પ્રિન્ટિંગ, ડિલિવરી, ટ્રાન્સપોર્ટેશન તેમજ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સુધીના અનેક ખર્ચમાં વધારો થયો છે અને જે સ્વભંડોળમાંથી કરાય છે. ઉપરાંત ઘણા કોર્સમાં કોઈ ફી વધારો કરાયો નથી. અગાઉની જ ફી રખાઈ છે.

આ પણ વાંચો : નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો
સરકાર તાયફાઓ ઓછા કરે તો વિદ્યાર્થી ઓછા ખર્ચે ભણે
સરકારને ઓપન યુનિ.માં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને છોકરીઓ વધુને વધુ ડિસ્ટન્સ લર્નિંગમાં ભણે અને ઉચ્ચ શિક્ષણમાં એનરોલમેન્ટ રેશિયો વધે તેમાં રસ ન હોવાની ફરિયાદ ઉઠી છે. સરકાર દ્વારા જો તાયફાઓ બંધ કરીને આંબેડકર યુનિ.ને વધુ ગ્રાન્ટ અપાય તો ફી ઘટાડી શકાય છે અને નજીવા ખર્ચે વિદ્યાર્થીઓને ખાસ કરીને છોકરીઓને એક્સટર્નલમાં અભ્યાસ કરાવી શકાય છે. યુનિ.ને વધુ ખર્ચ થતો હોય તો યુનિ.એ સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ માંગવી જોઈએ અને સરકાર જો આપે તો ફી ઘટાડી શકાય.
નોકરી સાથે એક્સર્ટનલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઘટશે
આંબેડકર ઓપન યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સરકારી ઓપન યુનિ. છે અને જેમાં નોકરી સાથે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે યુજી-પીજીનો અભ્યાસ કરતા હોય છે. પરંતુ હવે ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે સામાન્ય અને ગરીબ ઘરના વિધાર્થીઓ નોકરી સાથે અભ્યાસ કરવાનું ટાળશે. જેથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે.


