ડોર ટુ ડોર કચરો લેવાની સિસ્ટમ ઈન્દોર સુરત પેટર્ન મુજબ કરાશે
એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી વોર્ડમાં કલેક્શન રૃટ તૈયાર કરાશે : કલેક્શન માટે વાહનોની સંખ્યા વધારાશ
વડોદરા,વડોદરામાં ડોર ટુ ડોર કચરો ભેગો કરવાની સિસ્ટમ ઈન્દોર અને સુરત પેટર્ન મુજબ વધુ કાર્યક્ષમ બનાવીને સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો અગ્રતાક્રમ આવે તે માટે કોર્પોરેશને કમર કસી છે.
મ્યુનિ. કમિશનર અરૃણ મહેશ બાબુએ શહેરમાં ગંદકી થતા સ્થળોને સીસીટીવી કેમેરા અને મેન્યુઅલ્સ સર્વેલન્સ દ્વારા નાબૂદ કરવા માટે પ્રયાસ હાથ ધરી શહેરને બિન્સ ફ્રી સિટી બનાવવા કહ્યું છે.
શહેરના તમામ પ્રકારના રહેણાંક કોમર્શીયલ તથા ઔદ્યોગિક એકમો આ કલેક્શન વ્યવસ્થામાં આવરી લેવા અને કોઈ પણ એકમ ગાર્બેજ કલેક્શનમાં છૂટી ન જાય તથા કલેક્શન સમયસર થાય તે મુજબ આયોજન કર્યું છે. ઘર, ફલેટ, ઓફીસ, દુકાન, રેસ્ટોરન્ટ-હોટલ, લારી-ગલ્લા, વાડી, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટો, હોસ્પિટલ ધાર્મિક સ્થળો, ઔદ્યોગિક એકમ, બાગ-બગીચા વગેરેનું જીઓ-મેપિંગ કરવાની કામગીરી કરવામાં આવેલી છે. એઆઈ બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા રૃટ મેપિંગ કરી તે મુજબનો કલેકશન રૃટ નક્કી કરવામાં આવશે.
સર્વે કરાયેલી રૃટની ચોકસાઈ કરી કોઈ બાકી રહી ન જાય તે માટે કલેક્શન વાહનને ઓછામાં ઓછા ૮૦૦ યુનિટ તથા વધુમાં વધુ ૧૨૦૦ યુનિટની ફાળવણી કરી જી.પી.એસ. ટ્રેકીંગથી સજ્જ વાહનો થકી સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તેનું મોનીટરીંગ કરાશે. રોજ વાહનોને ફાળવેલા રૃટ પૂર્ણ થયેલ છે તેની ખાતરી કરવા માટે રૃટ મુજબ પોઈન્ટ નક્કી કરી કલેક્શનની કાર્યક્ષમતા વધારાશે.
આ સર્વેથી ફાળવેલ વાહનોની સંખ્યા ડબલથી પણ વધુ થશે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં સંપૂર્ણપણે શહેરને આવરી ક્લિન સિટી બનાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે.