Get The App

ગાંધીનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં કર્મચારીઓની હડતાલ

Updated: Jan 27th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં કર્મચારીઓની હડતાલ 1 - image


છેલ્લા બે મહિનાથી એજન્સી દ્વારા પગાર નહીં કરવામાં આવતા

વાહનો સાથે મ્યુનિ. કોર્પોરેશનની કચેરીએ પહોંચીને ધરણાં કર્યા આખરે સમજાવટથી કામદારો કામ ઉપર પરત ફર્યા

ગાંધીનગર :  ગાંધીનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સી દ્વારા કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા આજે વાહનો સાથે આ કર્મચારીઓ કોર્પોરેશનની કચેરી પહોંચી ગયા હતા. ધરણા કરીને પગાર આપવા માટે માંગણી કરી હતી. જોકે આ કર્મચારીઓને સમજાવવામાં આવતા તેઓ માની ગયા હતા અને મંગળવારથી રાબેતા મુજબ કામગીરીની તૈયારી દર્શાવી હતી.

પાટનગર ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા સફાઈ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોર્પોરેશનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ હડતાલ પાડતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં ઘરે ઘરેથી ઘન કચરાના એકત્રિકરણની કામગીરી માટે બેંગલોરની સ્વચ્છતા કોર્પોરેશન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ એજન્સી દ્વારા કચરા એકત્રિકરણ માટે ૫૦ જેટલા વાહનો મૂકવામાં આવ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચે પેનલ્ટીને લઇને ઇશ્યુુ ચાલતો હોવાથી છેલ્લા ૮ મહિનાથી એજન્સીને બિલો ચૂકવવામાં આવ્યા નથી. પરિણામે એજન્સીને ૮.૫ કરોડ રૃપિયા જેટલી રકમ મહાનગરપાલિકા પાસેથી બિલ પેટે લેવાની બાકી રહે છે. બીજીતરફ પેનલ્ટી માફ કરવા એજન્સીએ રજૂઆત કરી છે જેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પેન્ડિંગ છે. આ નિર્ણય ન આવે ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા તેના રેગ્યુલર બિલોના ચૂકવણા પણ કરવામાં નહીં આવતા અને કરોડો રૃપિયાની રકમ ફસાઇ હોવાથી એજન્સીએ બે મહિનાથી કર્મચારીઓનો પગાર અટકાવી દીધો હતો. જેથી આ તમામ કર્મચારીઓએ વાહનોના પૈડા થંભાવી દીધા હતા અને તમામ વાહનો કોર્પોરેશનની બહાર ઉભા કરી દીધા હતા. કર્મચારીઓએ કોર્પોરેશનની કચેરમાં જઇને પગાર માટે ધરણા ઉપર બેસી ગયા હતા. આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા સેનિટેશન કમિટીના ચેરમેન અંકિત બારોટે દરમિયાનગીરી કરી હતી અને પેનલ્ટીને લગતી રકમ બાકી રહેવા દઇને રેગ્યુલર બિલનું ચૂકવણું કરવા રજૂઆત કરી હતી. બીજીતરફ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્સીના વ્યવસ્થાપકો સાથે વાત કરી ખાત્રી આપતાં એજન્સીની સમજાવટથી કામદારોએ હડતાલ સમેટી લીધી હતી.

Tags :