જૂનાગઢ જિલ્લામાં સત્તાના મદમાં હુમલાનો બનાવ
ફોન પર ન ઓળખતા હોવા બાબતનો રંજ રાખી ભેસાણ તા.પં.ની લોબીમાં ઢીકાપાટુ મારી ફરજમાં રૂકાવટઃ ટીડીઓ અને સ્ટાફે છોડાવ્યા
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના મધુરમ વિસ્તરમાં રહેતા અને ભેસાણ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં છેલ્લા અઢી માસથી અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ શામજીભાઈ પોકર (ઉ.વ.૩ર)ને ત્રણ-ચાર દિવસ પહેલા બપોરના ફોન આવ્યો હતો જેમાં સામેથી પોતે કુમારભાઈ બોલું છે તેમ કહેતા ઈજનેર વિશાલભાઈએ કોણ કુમારભાઈ તેમ પૂછ્યું હતું આથી સામેથી 'તમે મને ઓળખતા નથી' તેમ કહેતા વિશાલભાઈએ ના પાડી હતી. આથી સામેથી 'તો તમે રહેવા દો' તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ બાબતના મનદુઃખના કારણે ગઈકાલે વિશાલભાઈ ભેસાણ તાલુકા પંચાયતની હિસાબી ઓફિસમાંથી નીકળી તેની ઓફિસમાં જતા હતા ત્યારે લોબીમાં જીલ્લા પંચાયતના ભાજપના સભ્ય કુમારભાઈ બસીયા તથા બે અજાણ્યા શખ્સોએ ગાળો આપી થપ્પડ મારી હતી. બે અજાણ્યા શખ્સોએ વિશાલભાઈને પકડી રાખ્યા, જ્યારે કુમારભાઈએ આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન બુમાબુમ થતા ટીડીઓ તથા અન્ય કર્મચારીઓએ ત્યાં આવી વિશાલભાઈને છોડાવ્યા હતા ત્યારે કુમારભાઈએ 'હવે પછી ક્યાંય દેખાતો નહી નહીતર મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ દરમ્યાન વિશાલભાઈ બચીને ભાગવા જતા કુમારભાઈ બસીયાએ તેનું ગળુ પકડી 'તને મારી નાખવો જ છે' તેમ કહી મારી નાખવાની કોશિષ કરી હતી.
ઈજાગ્રસ્ત અધિક મદદનીશ ઈજનેરને ભેસાણ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે તેણે જીલ્લા પંચાયતના સભ્ય કુમારભાઈ બસીયા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


