યાત્રાધામ અંબાજી ખાતે માતાજીને રૂપિયા 5.31 લાખના સોનાના કુંડળનું દાન
Ambaji Temple News: બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ અંબાજી મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મા અંબાના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે દાન આપતા હોય છે. ત્યારે શક્તિપીઠ આરાસુરી અંબાજી યાત્રાધામે શુક્રવારના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. 5,31,000 કિંમતના શુદ્ધ સોનાના કુંડળ જય ભોલ ગ્રુપ દ્વારા શ્રદ્ધાપૂર્વક દાનમાં અર્પણ કરવામાં આવ્યા છે.
માતાજીની ભક્તિ અને સમર્પણ ભાવના સાથે જોડાયેલા જય ભોલે ગ્રુપ દ્વારા આ પૂર્વે સોનાની પાદુકા, ઘંટી અને અજય બાણ જેવી અનેક ધાર્મિક વસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી ચૂકી છે. માતાજીના ચરણોમાં અર્પણ કરેલા કુંડળ માત્ર ભેટ નથી પરંતુ સમર્પણનું પ્રતિક છે. આ ભેટ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી.