ડોનાલ્ડ ટ્રમ્પના રેમિટન્સ ટેક્સથી અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગને મોટો ફટકો પડવાની શક્યતા
Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધ વન બિગ બ્યુટીફૂલ બિલના માધ્યમથી લાદવા ધારેલા રેમિટન્સ ટેક્સને કારણે અમદાવાદના રિયલ એસ્ટેટમાં થતું એનઆરઆઈનું રોકાણ ઘટશે તો તેને પરિણામે રિયલ એસ્ટેટની વણ વેચાયેલી મિલકતને હોલ્ડ પર રાખવાની અને ઊંચા ભાવ જાળવી રાખવાની ક્ષમતા પર વિપરીત અસર પડી શકે છે. બિન નિવાસી ભારતીયોના નાણાંથી રિયલ એસ્ટેટના પ્રોજેક્ટમાં પ્રી બુકિંગ થઈ જતુ હોવાનું જોવા મળતું હતું. હવે પ્રી બુકિંગના નાણાં પર 5%નો રેમિટન્સ ટેક્સ લાગવાનો હોવાથી રોકાણનો પ્રવાહ થોડો ઓછો થઈ શકે છે.
રિઝર્વ બેન્કે મુકરર કરી આપેલા નિયમ હેઠળ બિન નિવાસી ભારતીયો ભારતમાં અને ગુજરાતમાં મિલકતની ખરીદી કરી શકે છે. અમેરિકા સ્થિત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ 5% રેમિટન્સ ટેક્સ લાગ્યા પછી તેમના માર્જિન પર તેની કેટલી અસર આવે છે તેને આધારે રેમિટન્સ કેટલું કરવું તે નિર્ણય લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો રેમિટન્સ ટેક્સથી અમદાવાદના રિયલ એસ્ટેટ ઉદ્યોગને ફટકો
રેમિટન્સને લગતું બિલ 26મી મે સુધી પસાર થઈ જવાની અને જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં તેના પર ડોનાલ્ડ ટ્રમ્પનું મત્તુ લાગી જવાની શક્યતા છે. તેનો અમલ પહેલી જાન્યુઆરી 2026થી થવાની સંભાવના છે. તેથી 2026ના વર્ષમાં અમેરિકામાં વસતા બિનનિવાસી ગુજરાતીઓ તરફથી અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પ્રોપર્ટીમાં કરવામાં આવતા રોકાણ પર થોડી બ્રેક લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સરકારે જાહેર કર્યા સિંહની વસ્તી ગણતરીના આંકડા, ગુજરાતમાં 891 એશિયાઈ સિંહોની વસ્તી
વિદેશથી આવતા નાણામાં જો રોક આવશે તો બિલ્ડર્સ લોબીને લાંબા સમય સુધી પોતાનો સ્ટોક જાળવી રાખવો અઘરો પડશે માટે રિયલ એસ્ટેટના ભાવમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે.