વડોદરામાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ. એમ. એ. (મિક્સ્ડ માર્શલ આર્ટ્સ) ટૂર્નામેન્ટ ડી.એફ.એલ (ડોજો ફાઇટ લીગ ) નો ઐતિહાસિક પ્રારંભ થયો છે. આ પ્રતિષ્ઠિત લીગમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી ટોચની એમ. એમ. એ. ટીમો અને ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેના કારણે લડાકૂ રમતપ્રેમીઓ અને યુવા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધ ડોજો એમ. એમ. એ. એન્ડ ફિટનેસના બેનર હેઠળ આયોજિત આ ટૂર્નામેન્ટનો હેતુ સ્પર્ધાત્મક મંચ પૂરો પાડવાનો તેમજ ગ્રાસરૂટથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી એમ. એમ. એ. રમતને પ્રોત્સાહન આપવાનો છે.
આ ટૂર્નામેન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 85 ફાઇટર્સે નોંધણી કરાવી છે. ખાસ વાત એ છે કે આમાં યુવતીઓ ફાઇટર્સ પણ સામેલ છે. ગુજરાતના ફાઇટર્સે પણ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે. સ્પર્ધા કુલ 10 કેટેગરીમાં રમાશે, જેમાંથી 2 કેટેગરી ખાસ યુવતીઓ માટે રાખવામાં આવી છે.
ટૂર્નામેન્ટના આયોજક અને એમ.એમ.એ. ફાઇટર ઇશિકા થિટેએ જણાવ્યું હતું કે, આ ખેલાડીઓ માટે બહુ મોટી તક છે. અહીંથી શ્રેષ્ઠ ફાઇટર્સને એમ. એફ.એન.(મેટ્રિક્સ ફાઇટ નાઇટ) માટે પસંદ થવાની તક મળશે.


