Gujarat

કૂતરાંના ખસીકરણને પણ મોંઘવારી નડી, અમદાવાદમાં પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે

By GS TEAM
4 Jul 20252 mins read
કૂતરાંના ખસીકરણને પણ મોંઘવારી નડી, અમદાવાદમાં પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે

  અમદાવાદ,શુક્રવાર,4 જુલાઈ,2025

અમદાવાદમાં રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ ખાનગી એજન્સી દ્વારા કરાય છે. વર્ષ -૨૦૨૧થી આ સંસ્થાઓને પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ અને તેના ખોરાકી ખર્ચ પેટે રુપિયા ૯૭૬ ચૂકવાતા હતા. હવે પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ કરવા માટે રુપિયા ૧૬૫૦ ચૂકવવા આજે મળનારી હેલ્થ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે.

એબીસી રૃલ્સ-૨૦૨૩ મુજબ, શહેરમાં રખડતા કૂતરાંનો ત્રાસ અટકાવવા અને નિયમન કરવાની કામગીરી કરતી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા    પ્રતિ કૂતરાંદીઠ રુપિયા ૧૬૫૦નો દર રખડતા કૂતરાં પકડી તેના ખસીકરણ  અને ખોરાકી ખર્ચ માટે માન્ય કરાયો છે.રુપિયા ત્રણ કરોડની મર્યાદામાં રખડતા કૂતરાં પકડી તેના ખસીકરણની કામગીરી કરવા માટે શ્રી યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટર તથા શ્રી પીપલ ફોર એનીમલને બે વર્ષ માટે સોંપવા મંજુરી માંગવામાં આવી છે.વર્ષ-૨૦૨૧થી અમદાવાદમાં રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવાની કામગીરીમા પ્રતિ કૂતરાં દીઠ રુપિયા ૬૭૪નો વધારો કરવામા આવશે.

પાંચ વર્ષમાં કૂતરાંના ખસીકરણ પાછળ ૧૨ કરોડથી વધુનો ખર્ચ

વર્ષ    સંખ્યા  ખર્ચ(કરોડમાં)

૨૧-૨૨ ૩૦૩૬૦       ૨.૭૭

૨૨-૨૩ ૪૬૪૭૧       ૪.૪૩

૨૩-૨૪ ૪૦૨૦૬       ૩.૯૨

૨૪-૨૫ ૧૪૪૬૧       ૧.૪૧

૨૫-૨૬ ૧૬૫૮         ૧.૬૧

રખડતા કૂતરાંનો સર્વે કરવા બે વોર્ડમાં કામગીરી અપાઈ

અમદાવાદમાં એક અંદાજ મુજબ બે લાખથી વધુ રખડતા કૂતરાં છે. શહેરના જે વોર્ડમાંથી રખડતા કૂતરાં પકડવા કે કરડવાની ફરિયાદ વધુ સંખ્યામાં કોર્પોરેશનને મળે છે.તેવા પૂર્વ વિસ્તારના એક તથા પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં રખડતા કૂતરાંનો સર્વે કરવા ગોલ ફાઉન્ડેશન નામની સંસ્થાને પ્રાથમિક તબકકામાં કામગીરી અપાઈ હોવાનુ આધારભૂતસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.