Gujarat

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે 'શ્વાન રોટલા કેન્દ્ર', અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્ય

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરની પશ્ચિમે આવેલા શીલજ ગામમાં છેલ્લા 35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર ધમધમી રહ્યું છે. જ્યાં પાંચથી સાત બહેનો ભેગી મળીને સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી લગભગ 20થી 22 કિલોગ્રામ લોટના રોટલા વિવિધ વિસ્તારના કૂતરાઓ માટે બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે 'શ્વાન રોટલા કેન્દ્ર', અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્ય

Ahmedabad News : ​અમદાવાદ શહેરની પશ્ચિમે આવેલા શીલજ ગામમાં છેલ્લા 35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર ધમધમી રહ્યું છે. જ્યાં પાંચથી સાત બહેનો ભેગી મળીને સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી લગભગ 20થી 22 કિલોગ્રામ લોટના રોટલા વિવિધ વિસ્તારના કૂતરાઓ માટે બનાવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો આવીને રોટલા લઈ જઈને ગાય અને શ્વાનોને ખવડાવીને ધન્યતા અનુભવે છે. શ્વાન રોટલા કેન્દ્રની સેવાની કામગીરીને જોતાં કેટલાંક લોકોએ શ્વાનની સેવા માટે આપેલી જમીન માફિયાઓ ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. 

35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર યથાવત

મળતી માહિતી મુજબ, અમદાવાદના શીલજ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતા શ્વાન રોટલા કેન્દ્ર ખાતે બહેનો દ્વારા રોજના એક મણ બાજરી-ઘઉંના લોટના રોટલા બનાવીને સેવા કરવામાં આવે છે. ઘણાં વર્ષોથી શ્વાન માટે ચાલતી રોટલા કેન્દ્રની નિઃસ્વાર્થ સેવા ધ્યાને આવતા અમુક લોકોએ શ્વાન માટે જમીન આપી હતી. જોકે, હાલના સમયે જમીનના ભાવમાં વધારો થતાં શ્વાનની સેવા માટે અપાયેલી અનેક જમીનો માફિયાઓ ખાઈ ગયા છે. 

શ્વાન કેન્દ્રના આયોજકે શું કહ્યું?

​જીવદયા પ્રેમી અને શ્વાન કેન્દ્રના આયોજક વિજયાબેન ભીખાબેન પટેલે જણાવ્યું હતું કે, 'મારું પિયર જામનગર છે, અત્યારે મારી ઉંમર 63 વર્ષની છે. મારા ફળિયામાં રોજ બે-ત્રણ કિલોગ્રામ લોટના રોટલા બનાવીને અમે શ્વાનોને ખવડાવવા જતા હતા. બાદમાં સેવાના આ કાર્યમાં અમારી સાથે અન્ય લોકો પણ જોડાયા. આ પ્રવૃત્તિ ગામના લોકોના ધ્યાને આવતા તેમણે મદદ કરીને ગામમાં એક જગ્યા આપી હતી.'


તેમણે વધુમાં કહ્યું કે, 'ગામ લોકોએ આપેલી જગ્યા પર અમે લગભગ 25 વર્ષ શ્વાન માટે રોટલા કેન્દ્ર ધમધમતુ રાખ્યું. જ્યારે હવે ગામની ભાગોળે આ નવી જગ્યા આપી છે ત્યાં અમે છેલ્લા 4 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છીએ. કોરોના કાળમાં એક દિવસ પણ અમારી કામગીરી બંધ રહી નહોતી. જે લોકો તૈયાર રોટલા લેવા આવતા તેઓ અમને લોટ કે લોટ ખરીદવા માટેનું ડોનેશન આપતા. અમે બાજરી અને ઘઉના લોટના રોટલા સવારથી જેમ-જેમ બનાવવાનું શરુ કર્યું, તેમ-તેમ નજીક અને નારણપુરા, નાંદોલી, વડસર, રાંચરડા સહિત અનેક સ્થળોએથી લોકો આવતા અને શ્વાન કે ગાયને ખવડાવવા માટે રોટલા લઈ જાય.'

પૂનમ પહેલા સેવાભાવી લોકો લાડુ બનાવવા માટે કેન્દ્રમાં ઘીનો ડબ્બો અને ગોળ સાથે ઘઉંનો કરકરો લોટ આપી જાય. આમ ગમે તેવો વરસાદ, ટાઢ કે તડકો હોય પરંતુ રોટલા કેન્દ્ર ક્યારેય બંધ રહેતું ન હતું. 

આ પણ વાંચો: પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ: સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર, ઓલપાડ-બારડોલી નવું ડેસ્ટિનેશન

જોકે, હાલ ચાંદખેડા- મોટેરા વગેરે વિસ્તારોમાં આજે પણ આવા શ્વાનના નામે કેટલીક જમીનો 7/12માં પણ નોંધાયેલી છે, જેના ધ્વારા થતી ઉપજમાંથી આવી સેવા પ્રવૃતિઓ અગાઉ મોટા પાયે થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જમીનોના ભાવો ઉચકાવાની સાથે આવી સંખ્યાબંધ જમીનો પણ અદ્રશ્ય થઈ ગઈ છે.