Get The App

સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો

સરકારી તંત્ર મોડે મોડે જાગ્યું, હવે દરેક ઓપન પ્લોટના દસ્તાવેજોની નોંધણી બાદ ૧૦૦ ટકા સ્થળ ચકાસણી કરાશે

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી  બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો 1 - image

વડોદરા, તા.20 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા ઓપન પ્લોટના દસ્તાવેજોમાં મોટાપાયે ખોટી વિગતો દર્શાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. બાંધકામવાળી મિલકતો હોય અને તેને ઓપન પ્લોટ (ખુલ્લી જમીન) જણાવી દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી છે.

પક્ષકારો દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓપન પ્લોટવાળી મિલકતના વેચાણ દસ્તાવેજની નોંધણી કરવામાં આવતી હોય છે. આ સમયે દસ્તાવેજ સાથે પક્ષકારે મિલકત ઓપન પ્લોટવાળી હોવા અંગે એક સોગંદનામું રજૂ કરવામાં આવે છે તેમજ મિલકતના ફોટોગ્રાફ્સ પાડી તેમાં મિલકતની સ્થળ સ્થિતિ જાણી શકાય તે માટે અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવી ફોટોગ્રાફ્સ રજૂ કરવાની સૂચનાઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી  નિરિક્ષક દ્વારા આપવામાં આવતા તે મુજબ ઓપન પ્લોટના વેચાણ દસ્તાવેજોમાં મિલકતના ફોટોગ્રાફ્સ અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવીને નોંધણી કરાય છે.

દરમિયાન એવી વિગતો ધ્યાનમાં આવી હતી કે બાંધકામવાળી મિલકતના દસ્તાવેજ ઓપન પ્લોટ દર્શાવીને કરાતા હોય છે જે અટકાવવા માટે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરિક્ષક દ્વારા રાજ્યના દરેક સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન નાયબ કલેક્ટરને એક પત્ર લખી એવી સૂચના આપવામાં આવી છે કે સ્ટેમ્પ ડયૂટીની મહેસૂલી આવકની ચોરી થતી અટકાવવા માટે તા.૧ જૂનથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી થયેલ તમામ દસ્તાવેજોની ૧૦૦ ટકા ચકાસણી કરવાની રહેશે.

એટલું જ નહી પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની મિલકતોના અક્ષાંશ અને રેખાંશ આધારે સ્થળ તપાસ કરવાની રહેશે. ઓપન પ્લોટના અનેક દસ્તાવેજો થઇ ગયા બાદ આખરે સરકારી તંત્રની આંખ ઉઘડી છ.

ઓપન પ્લોટના દસ્તાવેજોની રેન્ડમ ચકાસણીની સૂચનાનું પાલન કરાતુ નથી

સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરિક્ષકની કચેરી દ્વારા અગાઉ તમામ નાયબ કલેક્ટર કચેરીઓને ઓપન પ્લોટ તરીકે નોંધાયેલ દસ્તાવેજોની રેન્ડમ ચકાસણી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ આ સૂચનાનું પાલન કરાતું ન હોવાથી પક્ષકારો બાંધકામવાળી મિલકતના દસ્તાવેજ ઓપન પ્લોટ તરીકે નોંધણી કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ગાંધીનગરની વડી કચેરી દ્વારા કડક આદેશ કરવામાં આવ્યા છે.

સ્થળ તપાસમાં ચૂક થશે તો ડેપ્યૂટી કલેક્ટર પણ જવાબદાર

ઓપન પ્લોટ તરીકે નોંધણી થયેલા દરેક દસ્તાવેજોની ચકાસણી તેમજ સ્થળ તપાસ સબ રજિસ્ટ્રાર કચેરીના કચેરી અધિક્ષક તેમજ સ્ટેમ્પ નિરિક્ષકે કરવાની અને તમામ દસ્તાવેજોની ચકાસણી થઇ છે કે નહી તેની ખાત્રી અને મોનિટરિંગ નાયબ કલેક્ટર કરશે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોધણી નિરિક્ષકે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે કોઇ ચૂક થશે તો નાયબ કલેક્ટર ઉપરાંત જે કચેરી અધિક્ષક અથવા સ્ટેમ્પ નિરિક્ષકની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે.

Tags :