Gujarat

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
એરગનની ગોળી (છરો) બાળકના લીવર અને પિત્તાશયને ચીરીને આંતરડામાં ઘૂસી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એરગનથી થયેલી ઈજામાંથી વડોદરાની સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ બાળ દર્દીને બચાવ્યો

Vadodara SSG Hospital : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે એર ગનની ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દી પર સફળ લાઈફ-સેવિંગ (જીવરક્ષક) સર્જરી કરી છે. જટિલ સર્જરી ડો.વિશાલ ભાભોર, ડો.સમીર, ડો.અનુરાગ વગેરે ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક બાળક તેના પિતરાઈ ભાઈ સાથે લોડેડ (ભરેલી) એરગનથી રમી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી. એરગનની ગોળી (છરો) બાળકના લીવર અને પિત્તાશયને ચીરીને આંતરડામાં ઘૂસી ગઈ હતી, જેને સર્જરી દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

 શરીરના બહુવિધ અંગોમાં થયેલી ગંભીર ઈજાને જોતા, તાત્કાલિક સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ડો.વિશાલ ભાભોર અને તેમની ટીમે સફળતાપૂર્વક યોગ્ય અને જરૂરી સર્જરી કરી દર્દીની હાલત સ્થિર કરી છે. જટિલ સર્જરી નિષ્ણાત એનેસ્થેટિક ટીમ-ડો.દર્શના, ડો.યોગિતા અને ડો.સંદીપના સહયોગથી શક્ય બની હતી. જેમણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીના વાઈટલ્સ (શ્વાસ અને ધબકારા) જાળવી રાખ્યા હતા. ડોક્ટરોએ સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી, જેમની ઓપરેશન પછીની સતર્ક સંભાળ દર્દીની રિકવરી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

ડો.વિશાલ ભાભોર જણાવે છે કે, હાઈ-વેલોસીટી એરગનને ઘણીવાર લોકો રમકડું માની લેવાની ભૂલ કરે છે, પરંતુ આ કિસ્સો તેની ઘાતક ક્ષમતા દર્શાવે છે. ડો.ભાભોર લોકોને સલાહ આપે છે કે, તેને હથિયાર તરીકે ગણો કારણ કે, એરગન લીવર અને આંતરડા જેવા મહત્વના અંગોને ભેદી શકે છે. તેને અસલી ફાયરઆર્મ્સ (હથિયાર) જેટલી જ સાવચેતીથી વાપરો. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ હથિયારોને હંમેશા અનલોડ (ખાલી) કરીને અને લોક કરીને રાખો, જેથી તે બાળકોની પહોંચથી સખત રીતે દૂર રહે. ટાર્ગેટ પ્રેક્ટિસ દરમિયાન હંમેશા આંખોના રક્ષણ માટે ચશ્મા અને અન્ય સુરક્ષા ગિયરનો ઉપયોગ કરો. આકસ્મિક અને જીવલેણ ઈજાઓથી બચવા માટે ક્યારેય મનુષ્યો કે પ્રાણીઓ તરફ નિશાન તાકશો નહીં.