થાઇલેંડ હનીમૂન દરમ્યાન દહેજની માંગ સાથે મારઝૂડ મામલે પતિ વિરુદ્ધ તબીબ પરિણીતાની ફરિયાદ
Vadodara : લગ્નના બીજા દિવસથી શારીરિક અને માનસિક ત્રાસ આપી થાઇલેન્ડ ખાતે હનીમૂન દરમિયાન કાર અને પૈસાની માંગણી સાથે મારઝૂડના આક્ષેપ સાથે તબીબ પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ જિલ્લામા રહેતી અને દવાખાનું ધરાવતી તબીબ પરણીતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.7 ફેબ્રુઆરીના રોજ મારા લગ્ન સમાજના રીત રિવાજ મુજબ ભાવિક દીક્ષિતભાઈ રાણા (રહે ભોલાવ ગામ, ભરૂચ)સાથે થયા હતા. લગ્નના બીજા દિવસથી પતિએ મારી પાસે જુદી જુદી વસ્તુ અને પૈસાની માંગણી કરી હતી. થાઈલેન્ડ હનીમૂન માટે જતા મને મારા પિતા પાસેથી એક નવી કારની માંગ કરી હતી. બોટિંગ સમયે પણ મને અપશબ્દો કહ્યા હતા. મે વેલેન્ટાઈન ડે હોવાથી ગિફ્ટમાં મને શું આપીશ તેવું કહેતા ભાવિકે તારા માતા પિતાએ મને કશું આપ્યું નથી તેમ કહી મારી સાથે મારઝુડ કરતા મારા ચશ્મા તૂટી ગયા હતા. અને મને હોટલના કબાટની સાથે અથડાવતા ખભાના ભાગે ઈજા થઈ છે. જેથી હું હોટલના બાથરૂમમાં દરવાજો બંધ કરી બેસી ગઈ હતી.
પતિની કરતુતથી ગભરાઈ ગયેલ પરણીતા એરપોર્ટના શૌચાલયમાં સંતાઇ ગઈ હતી
વધુમાં કહ્યું હતું કે, મારા પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોય તેના ફોટા પણ મને બતાવ્યા હતા. તે બાબતે પણ અમારી વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ભાવિકે મને મારો પાસપોર્ટ ન આપી મારો મોબાઇલ લઈ લેતા હું ગભરાઈ જઈ એરપોર્ટના ટોયલેટમાં સંતાઈ ગઈ હતી. અને કરાબી એરપોર્ટ સ્ટાફની મદદથી પિતા સાથે વાત કરી હતી. અને તેઓએ મને સુરત સુધી પહોંચવામાં મદદ કરી હતી. ત્યારબાદ સસરાના કહેવાથી ભાવિકે મારો પાસપોર્ટ અને મોબાઈલ ફોન પરત આપ્યો હતો. અરજીના કામે મને તથા મારા પતિને ભેગા કરી કાઉન્સેલિંગ કરાવતા હું મારા પતિ સાથે જવા માંગતી હતી પરંતુ પતિ મને તેડી જવાબ માંગતો ન હતો. હનીમુન દરમ્યાન ભાવિકે દબાણ કરી લગ્નજીવનના ફોટો પાડ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે ભરૂચ મહિલા પોલીસે ભાવિક વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, દહેજ પ્રતિબંધિત અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.