કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત
ગાંધીનગર નજીક અડાલજ પાસે કરુણ ઘટના
પુત્રીને બહાર ઉભી રાખી કેનાલમાં નીચે ઉતર્યા તે સમયે ઘટના બની ઃ પુત્રીએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યાં
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક આવેલા વાવોલમાં અનસયા ગ્રીન સોસાયટીમાં રહેતા અને મૂળ કલોલના કાકાના
તારાપુર ગામના વતની ડોક્ટર નીરવકુમાર રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ પીડીયાટ્રીશીયન છે
જ્યારે તેમની પત્ની કોષા બ્રહ્મભટ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર
તરીકે ફરજ બજાવે છે. તેમની છ વર્ષીય પુત્રી દ્વિજાએ ગૌરીવ્રત કર્યું હતું અને તે પૂર્ણ
થતા ઝવેરા પધરાવવા માટે પિતા પુત્રી ગઈકાલે સવારના સમયે ગાંધીનગર નજીક અડાલજ
નર્મદા કેનાલ ઉપર ગયા હતા જ્યાં પુત્રીને કેનાલ ઉપર ઉભી રાખીને ડોક્ટર નીરવ નીચે
ઉતર્યા હતા.
આ દરમિયાન જ તેઓ ઝવેરા પધરાવી રહ્યા હતા તે સમયે તેમનો પગ
લપસતા કેનાલના પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને તેના કારણે પુત્રીએ બુમાબુમ કરી દીધી
હતી. જેથી ત્યાંથી પસાર થતા રીક્ષા ચાલક ઊભા રહી ગયા હતા અને ડોક્ટર નિરવને
કેનાલના પાણીમાંથી બહાર કાઢયા હતા અને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ
જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે અંગે
હાલ અડાલજ પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
આશાસ્પદ તબીબનું અકાળે અવસાન થતા પરિવાર અને સમાજમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ
હતી.