Get The App

'પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા'

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
'પ્રલોભન કે દબાણમાં આવીને રશિયન આર્મીમાં ન જોડાતા' 1 - image

યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવકે બીજો વીડિયો શેર કર્યો : અભ્યાસ માટે રશિયા જતાં ડ્રગ્સનો કેસ કરીને યુક્રેન સામે યુધ્ધ લડવા ધકેલી દીધો'તો, : વહેલી તકે મુક્ત કરાવવા ફરી કાકલૂદી

મોરબી, : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં મોરબીનો સાહિલ મોહમ્મદ હુસૈન નામનો યુવક ફસાયો છે, તેણે હવે યુક્રેન સરહદેથી વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં પોતાને વહેલીતકે મુક્ત કરાવવા આજીજી અને કાકલૂદી કરી છે અને અભ્યાસ કે નોકરી માટે જતા અન્ય કોઈ ભારતીય લોકોએ રશિયન આર્મીના લોભ-લાલચમાં નહીં ફસાવા ચેતવણી આપી છે.

અહેવાલો અનુસાર, વર્ષ 2022માં સાહિલ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં તે પોતાનો ખર્ચ કાઢવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયાની પોલીસે તેને પકડી લીધો અને તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો ખોટો આરોપ લગાવીને રશિયન સેનામાં જોડાવાના કરાર પર સહી કરાવી યુક્રેન બોર્ડર પર લડવા મોકલી દેવાયો હતો. સરહદ પર પહોંચતા જ સાહિલે લડવાને બદલે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ તે યુક્રેનિયન સેનાના કબજામાં છે. 

અગાઉ સાહિલનો વીડિયો ધ્યાને આવ્યા બાદ તેના પરિવારે ભારત સરકારની મદદથી તેને પરત લાવવા કાર્યવાહી શરૂ કરી હતી. ત્યાં આજે ફરી એક વખત તેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે વડાપ્રધાન પાસે વતન પરત આવવા મદદ માગી છે. સાથે જ તેણે ભારતીય યુવાનોને ચેતવણી આપતા કહ્યું છે કે, 'કોઈપણ ભારતીય રશિયન સેનાના પ્રલોભન કે દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. રશિયામાં ભારતીયોને ખોટા કેસોમાં ફસાવીને જબરદસ્તી યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે.'

યુક્રેનની સેનાએ જ સાહિલને આ વીડિયો બનાવવાની મંજૂરી આપી છે, જેથી તે ભારત સરકાર અને પોતાના પરિવાર સુધી સંદેશ પહોંચાડી શકે. સાહિલનો વીડિયો મળ્યા બાદ મોરબીમાં રહેતા તેના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેની માતાએ પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી ફેબુ્રઆરી- 2026માં નિર્ધારિત કરવામાં આવી છે.