Gujarat

વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે કાટમાળ તેમજ ઘન કચરાનું ડમ્પિંગ બંધ કરો

By GS TEAM
16 Sep 20252 mins read
વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે કાટમાળ તેમજ ઘન કચરાનું ડમ્પિંગ બંધ કરો

વડોદરા, તા.16 વડોદરામાં ગયા વર્ષે વિશ્વામિત્રી નદીના કારણે આવેલા પૂર બાદ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને સુઓમોટો લઇ કેસ રજિસ્ટર કરી પાંચ સભ્યોની વિશ્વામિત્રી કમિટી બનાવી હતી. આ કમિટી દ્વારા નદીમાં ઠલવાતા ગેરકાયદે કાટમાળ અને ઘન કચરાને રોકવા પર ભાર મૂકી ત્રીજો રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે જેને આજે જાહેર કરાયો હતો.

રાજ્યના માનવ અધિકાર પંચના નિર્દેશથી પાંચ સભ્યોની કમિટી બનાવાઇ હતી જેમાં પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટ પ્લાનર, જિયોલોજિસ્ટ, બોટનિસ્ટ, અર્બન પ્લાનરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા વિશ્વામિત્રી નદીનું વિવિધ સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે મુલાકાતો બાદ તબક્કાવાર સંયુક્ત રિપોર્ટ બનાવી સબમિટ કરવામાં આવી રહ્યો છે.

સમિતિના ત્રીજા રિપોર્ટમાં સભ્યો દ્વારા ભલામણો કરવામાં આવી છે કે વિશ્વામિત્રી નદીમાં પૂરને ભવિષ્યમાં રોકવા માટે હજી ઘણી કામગીરી કરવાની છે. સમિતિ દ્વારા ભલામણો કરવામાં આવી છે કે નદીમાં ઠલવાતા ગેરકાયદે કાટમાળ અને મ્યુનિસિપલ ઘન કચરાને રોકવો જરૃરી છે. તેના માટે દેખરેખ સમિતિઓ અને પેટા સમિતિઓ દ્વારા એક સિસ્ટમ સ્થાપિત કરવી જોઇએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કાટમાળ અને ઘન કચરા ડમ્પિંગને રોકવા માટે નિરીક્ષક તરીકે કામ કરી શકે છે જેથી ભવિષ્યમાં થતા આવા કૃત્યોને અટકાવી શકાય.

સમિતિએ ભલામણ કરી છે કે ગ્રાઉન્ડ ઝીરો સ્તરની સિસ્ટમ વિકસાવી કોર્પોરેશનના અધિકારીઓની મદદથી નદીના સ્ત્રોત પર કચરો અલગ પાડવો, સંગ્રહ અને યોગ્ય વૈજ્ઞાાનિક નિકાલ માટે આઉટરીચ કામગીરી કરી શકાય તેમ છે. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ  સંબંધિત અધિકારીઓને કાટમાળના નિકાલ માટે યોજનાઓ સુપરત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે નદીની ગુણવત્તા જાળવવા માટે નદીમાં છોડાતું ગટરનું દૂષિત પાણી નહી છોડવા અગાઉના રિપોર્ટમાં જણાવાયું હતું. સમિતિના  ત્રીજા રિપોર્ટમાં વિશ્વામિત્રી કિનારે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ગેબિયન દીવાલોની ડિઝાઇનો અંગે પણ કેટલાંક સૂચનો કરાયા હતાં.