દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું ભલે વિદાય લઈ ચૂક્યું હોય, પરંતુ રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદનું જોર યથાવત્ રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે.
તાપમાનમાં ધીમો વધારો
હવામાન વિભાગે તાપમાન અંગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રી વધવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ
ક્યાં-ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી છ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.
- 16ઓક્ટોબર: દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ વરસવાની સંભાવના છે.
- 17 ઓક્ટોબર: દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.
- 18 ઓક્ટોબરઃ અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.
- 19થી 21 ઓક્ટોબરઃ ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા
અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, દક્ષિણ ભારતમાં ભારે વરસાદ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી સાત દિવસમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ મજબૂત બનીને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાશે, જેના પગલે દક્ષિણ તમિલનાડુ અને કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
હાલમાં દેશના મોટાભાગના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને 16 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી નૈઋત્યનું ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ શકે છે.