આતશબાજીની રમઝટ સાથે આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે

- ધર્મસ્થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠશે
- વ્યકિતગત અને સામુહિક ચોપડાપૂજનવિધિ થશે, દિપોત્સવી પર્વે શહેરની બજારોમાં મેરી ગો રાઉન્ડનો ક્રેઝ યથાવત
તિથિના અપવાદોના કારણે બે દિવસ ધનતેરસ ઉજવાઈ હતી. રવિવારે કાળી ચૌદશના પર્વે મંત્ર અને તંત્રની સાધના કરાઈ હતી હનુમાનજી,શનિદેવ, કાળભૈરવ અને મહાકાળી માતાજીના મંદિરોમાં વિશેષ પુજા, યજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કુળદેવી માતાજી અને સુરાપૂરાદાદાને નૈવેદ્ય ધરાયા હતા. દિપોત્સવીના પ્રસંગે ધર્મસ્થાનકોમાં મંગળા આરતી કરવાનો અનન્ય મહિમા હોય શહેરના સ્વામિનારાયણ મંદિરો અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠશે. દિવાળીના તહેવારમાં ચોપડા પૂજનનું અનન્ય મહત્વ હોય વેપારી પેઢીઓમાં વ્યકિતગત અને સ્વામિનારાયણ મંદિર, પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં સામુહિક ચોપડા પુજનના કાર્યક્રમો યોજાશે. દિવાળીએ મોડી સાંજથી શહેરના ઘોઘાગેટ,દિવાનપરા રોડ,વોરાબજાર, પીરછલ્લા શેરી સહિતના સ્થળોને સાંકળતા મેરી ગો રાઉન્ડમાં આબાલવૃધ્ધ શહેરીજનો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે હોંશે હોંશે ઉમટી પડશે.









