Gujarat

દિવાળીના તહેવાર ઝૂ સંકુલને ફળ્યાં, બાલવાટિકાની એક જ દિવસમાં સાડા નવ લાખથી વધુ આવક

By GS TEAM
25 Oct 20251 min read
દિવાળીના તહેવાર ઝૂ સંકુલને ફળ્યાં, બાલવાટિકાની એક જ દિવસમાં સાડા નવ લાખથી વધુ આવક

  અમદાવાદ, શનિવાર,25 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કાંકરિયામા આવેલ ઝૂ સંકુલને દિવાળીના તહેવાર ફળ્યા છે. બાલાવાટિકાને રુપિયા ૨૨ કરોડના ખર્ચે રિડેવલપ કરી નવા આકર્ષણ મુકવામા આવતા શુક્રવારે એક જ દિવસમાં રુપિયા સાડા નવ લાખથી વધુની આવક થવા પામી હતી.૧૮થી ૨૪ ઓકટોબર સુધીના સમયમાં ઝૂ સંકુલની ૨.૨૪ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લેતા ઝૂ કોમ્પલેકસને કુલ રુપિયા ૭૬ લાખથી વધુ આવક તહેવારો દરમિયાન થઈ હતી.

બાલવાટિકાના રિડેવલપમેન્ટ પછી ડાયનાસોર, ભૂલભૂલૈયા, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, એડવેન્ચર રાઈડસ સહીતના અન્ય આકર્ષણો રાખવામા આવ્યા છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ બેઝથી ચલાવાતા બાલવાટિકાની આ અગાઉ વાર્ષિક આવક રુપિયા દસ લાખ જેટલી થતી હતી.કોર્પોરેશને બાલવાટિકાની થનારી આવક પૈકી ૨૭ ટકા આવક કોર્પોરેશનને રેવન્યુ શેરીંગ તરીકે આપવાની શરત રાખેલી છે.દિવાળીના તહેવારો અને વેકેશનનો લહાવો લઈ મુલાકાતીઓએ બાલવાટિકાની સાથે ઝૂ,નોકટરનલ ઝૂ તેમજ બટરફલાય પાર્કની પણ મુલાકાત લીધી હતી.૧૮થી ૨૪ ઓકટોબર સુધીમાં ઝૂની ૭૦૨૪૮ મુલાકાતીઓએ મુલાકાત લેતા રૃપિયા ૩૦ લાખથી વધુ આવક થઈ હતી.નોકટરનલ ઝૂની ૧૭૭૧૬ લોકોએ મુલાકાત લેતા રૃપિયા ૭.૭૪ લાખથી વધુ આવક થઈ હતી.બટરફલાય પાર્કની ૫૮૧૯ લોકોએ મુલાકાત લેતા રૃપિયા ૫૨ હજારથી વધુની આવક થવા પામી હતી.એક સપ્તાહના તહેવારના સમયમાં બાલાવાટિકાની આવકમા રેવન્યુ શેરીંગ પ્રમાણે રુપિયા ૩૫ લાખથી વધુની આવક થવા પામી હતી.