રાજકોટના 4 લાખ ઘરો-દુકાનોમાં દિવાળી સફાઈ, 600 ટનથી વધુ કચરો બહાર કાઢ્યો
- સોલીડ વેસ્ટ એકત્ર કરતા ૩૦૦થી વધુ ટીપરવાનના ફેરાં 50 ટકા વધ્યા
- ગાર્બેજ સ્ટેશને લાઈનો, રોજ 50- 60 ટન કચરો વધી ગયો
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં દિવાળીએ લક્ષ્મીપૂજન-ચોપડાપૂજન પૂર્વે આ મંગલ પર્વને વધાવવા લોકો ઘરે ઘરે, દુકાને-કારખાને સઘન સફાઈ હાથ ધરતા હોય છે. રાજકોટમાં અંદાજે ચાર લાખ ઘરોમાં અને દુકાનોએ સઘન દિવાળી સફાઈ દસેક દિવસથી ચાલતી હોય તેના પગલે ૬૦૦ ટન વધારાનો કચરો બહાર કઢાયો છે.
મનપા સૂત્રો અનુસાર શહેરમાં દૈનિક સોલીડ વેસ્ટનું પ્રમાણ સરેરાશ ૬૦૦થી ૬૨૫ ટન હોય છે તે વધીને ૬૭૫ ટન સુધી પહોંચ્યું છે અને રોજ ૫૦થી ૬૦ ટન વધુ કચરો એકત્ર થઈ રહ્યો છે. શહેરમાં ઘરેઘરેથી દૈનિક ૩૦૦થી વધુ ટીપરવાનમાં કચરો એકત્ર કરાય છે તે ઓવરલોડ ભરવા છતાં ૫૦ ટકા ફેરાં વધ્યા છે, પ્રતિ ટીપરવાન રોજ ૨ને બદલે ૩ ફેરાં થાય છે તો ગાર્બેજ સ્ટેશન કે જ્યાં આ વેસ્ટ નંખાતો હોય છે ત્યાં કચરો ઠલવવા માટે ટીપરવાનની લાંબી કતારો સર્જાવા લાગી છે. ઘરની સઘન સફાઈ દરમિયાન પરચુરણ મરમ્મત, ગાદલા-ગોદડાં ભરાવવા, જુની વસ્તુ ભંગારમાં આપવી અને ભંગારવાળા પણ ન લે તે કચરાપેટીમાં નાંખવાનું પ્રમાણ વધી જવાથી શહેરમાં નદી કાંઠા સહિતના વિસ્તારોમાં ભંગારોના પણ ઢગલા થવા લાગ્યા છે. તો કડિયા, સુતાર, લુહાર, રૂ પીંજનારા, કલરકામ કરનારા વગેરે માટે પણ ઘરાકી નીકળી છે.