વડોદરામાં આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ : ગુજરાતભરના 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે
Vadodara : નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ બાદ વડોદરામાં આજે દિવ્યાંગ ગરબા મહોત્સવ યોજાશે. સાંજે 7થી રાત્રિના 10.30 સુધી સુભાનપુરા વિસ્તારમાં શિશુ ગરબા ગ્રાઉન્ડ, ઝાંસીની રાણી મેદાન ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવમાં 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયા ગરબાની રમઝટ બોલાવશે. કચ્છ, સુરત, ભરૂચ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ ,મુંબઈ તેમજ વડોદરા જિલ્લાના પાદરા સહિતના ગામો અને સ્થાનિક દિવ્યાંગ ખેલૈયા આ ગરબા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આટલી મોટી સંખ્યામાં માત્ર દિવ્યાંગો માટેનો નિશુલ્ક ગરબા મહોત્સવ ક્યાંય યોજાતો નથી, તેમ ગરબા આયોજક શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનું કહેવું છે.
દર વર્ષે દશેરા પછી બીજા દિવસે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગજનો હજારોની ભીડમાં મોટા ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકતા નથી, ત્યારે તેઓ માટે અહીં મળતું મોકળું મેદાનએ મોટા ગરબાથી પણ વિશેષ છે. આ ગરબા મહોત્સવમાં મેલ સિંગર દિવ્યાંગ છે. ગરબામાં દિવ્યાંગ ખેલૈયા ટ્રાઈસીકલ, કાખઘોડી લઈને પણ ગરબે ઘૂમે છે. ટ્રસ્ટ દ્વારા અગાઉ જે દિવ્યાંગોના લગ્ન કરાવી અપાયા છે તેવા દિવ્યાંગ કપલો ગરબે રમવા આવે છે. વડોદરામાં દિવ્યાંગોને જુદા જુદા વિસ્તારોમાંથી ગરબા સ્થળે લાવવાની વ્યવસ્થા કરાય છે. ગરબા પૂર્ણ થયા બાદ તમામને ભોજન, લહાણી તેમજ જરૂરિયાતમંદોને સાધન સહાય આપવામાં આવે છે.