દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝનનો રસ્તો વરસાદમાં ધોવાઈ જતા હાલાકી

વરસાદમાં વેટમિક્ષનું ધોવાણ થતાં ખખડધજ બન્યો
વરસાદને પગલે રસ્તા પર ઠેરઠેર ખાડા અને પાણી ભરાઈ રહેતા ટ્રાફિકજામ ઃ વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના દુધરેજ પાસે કેનાલ પરનો ઓવરબ્રીજ જોખમી બની જતા તંત્ર દ્વારા બંધ કરી હાલ તેના રીપેરીંગની કામગીરી ચાલી રહી છે પરંતુ કેનાલ ફરતે આપવામાં આવેલ ડાયવર્ઝનના રસ્તા પર તાજેતરમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે ડાયવર્ઝન રસ્તાનું યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
દુધરેજ પાસે ર્મદા કેનાલ પરનો ઓવરબ્રિજ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી સાવચેતીના ભાગરૃપે બંધ કરવામાં આવ્યો છે અને તેના ત્રણ મહિનામાં રીપેરીંગની કામગીરીના ખાતમુર્હુત બાદ હાલ પુરજોશમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું છે પરંતુ ઓવરબ્રીજ બંધ થયા બાદ બંને બાજુ કેનાલ ફરતે આવેલ ડાયવર્ઝનના રસ્તા પર તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
અગાઉ વઢવાણ ડેપ્યુટી કલેકટર દ્વારા નોટીસ ફટકાર્યા બાદ તાજેતરમાં તંત્ર દ્વારા ડાયવર્ઝન રસ્તાનું રીપેરીંગ કામ હાથધરવામાં આવ્યું હતું અને ખાડાઓ પર વેટમીક્ષ નાંખવામાં આવ્યા હતા જેના કારણે વાહનચાલકોએ થોડી રાહત અનુભવી હતી પરંતુ હાલમાં પડેલા વરસાદને કારણે ફરી ડાયવર્ઝનનો રસ્તો બિસ્માર અને ઉબડ-ખાબડ બની જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમજ બિસ્માર ડાયવર્ઝનના કારણે અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે તેમજ અઢી થી ત્રણ કિલોમીટરના ડાયવર્ઝન રસ્તાને પસાર કરવામાં ૨૫ થી ૩૦ મીનીટ જેટલો સમય લાગે છે ત્યારે તંત્ર દ્વારા કેનાલ ફરતે આપેલ ડાયવર્ઝન રસ્તાનું યોગ્ય રીતે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.









