દુધરેજ કેનાલ પાસેનો ડાયવર્ઝન રોડ ખખડધજ હાલતમાં, વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા
- ભારે વાહનો અટકાવવા મૂકેલી લોખંડની એંગલથી એમ્બ્યુલન્સ પસાર થઇ શકતી નથી
- ડાયવર્ઝનના રોડ પર બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપતા અડધો કલાક લાગતા વાહન ચાલકોમાં રોષ : યુદ્ધના ધોરણે બિસ્માર રોડનું સમારકામ હાથ ધરવા માંગ
વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર સફાળુ જાગ્યુ હતું અને જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી હાથ ધરી હતી. જેમા સુરેન્દ્રનગર શહેરને ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ અને પાટડી સાથે જોડતો દુધરેજ પાસેનો નર્મદા કેનાલ પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જણાતા બંધ કરવામાં આવ્યો હતો અને વાહનોની અવરજવર કેનાલની બાજુમાં આવેલા સાંકડા સિંગલ પટ્ટી રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
દુધરેજ બ્રિજ પરથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ વાહનોના ટ્રાફિક નિયમન અંગે કોઇ પણ જાતના આયોજન કર્યા વગર તેમજ બિસ્માર રોડનું સમારકામ કે રિપેરિંગ હાથ ધર્યા વગર ડાયવર્ઝન આપતા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ડાયવર્ઝન રોડ પર ઠેરઠેર ગાબડા પડતા બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવમાં વાહન ચાલકોને અડધા કલાકનો સમય લાગે છે. જેથી દિવસમાં અનેકવાર ટ્રાફિક જામ સર્જાય છે તેમજ આ રસ્તા પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે.
બ્રિજ બંધ કરવા અધિરા બનેલા અધિકારીઓએ જાણે બુદ્ધિનું દેવાળું ફુંક્યું હોય તેમ ડાયવર્ઝનના રસ્તા પર ભારે વાહનને પ્રવેશતા અટકાવવા લોખંડની એંગલ લગાવી દીધી છે. જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થઇ શકતી નથી.
બ્રિજનું સમારકામ પૂર્ણ કરી બ્રિજને ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં લાંબો સમય લાગે તેમ છે ત્યારે લોકોની હાલાકીને ધ્યાને લઇ તંત્ર દ્વારા ડાયવર્ઝનના રસ્તાની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત આસપાસના સ્થાનિક રહીશોની માંગ છે.