- ગત તા. 21 મી જાન્યુઆરીની રાત્રે બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ખેલાડીએ માનસિક ટોર્ચર, માર માર્યાની રાવ સાથે પોલીસમાં અરજી આપી, અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હોવાનું જણાવી આક્ષેપો નકારી કાઢયા
નડિયાદ : નડિયાદ સ્થિત ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બોય્ઝ હોસ્ટેલમાં ગત તા.૨૧મી જાન્યુઆરીની રાત્રે બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રમતગમત ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે. હોસ્ટેલમાં રહેતા એક એથ્લેટિક્સ ખેલાડીએ જિલ્લા રમત વિકાસ અધિકારી પર દારૂ પીને રૂમમાં આવી માર મારવા તેમજ માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. જોકે, અધિકારીએ આ મામલે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, તેઓ સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા અને દારૂ પીધેલી હાલતની વાત પાયાવિહોણી છે.
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હોસ્ટેલમાં રહેતા અને ૪૦૦ મીટર દોડની તાલીમ લેતા ખેલાડી આશિષ ચાવડાએ એક વીડિયો ઉતાર્યોે હતો જે વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો મુજબ હોસ્ટેલની રૂમમાં ઝપાઝપી જેવું વાતાવરણ સર્જાયું હતું. ખેલાડીએ વીડિયોમાં આક્ષેપ કર્યોે હતો કે, જિલ્લા રમત વિકાસ અધિકારી ડા. મનસુખ તાવેટીયા દારૂ પીધેલી હાલતમાં તેમના રૂમમાં આવ્યા હતા. ખેલાડીએ એવો પણ દાવો કર્યો છે કે, અધિકારી દ્વારા તેમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે અને માર મારવામાં આવ્યો છે. તેમજ ભૂતકાળમાં પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ ભોગ બનનાર ખેલાડીએ પોલીસ મથકે જઈને લેખિતમાં અરજી પણ આપી છે. બીજી તરફ આ ગંભીર આક્ષેપો સામે જિલ્લા રમત વિકાસ અધિકારી ડા. મનસુખ તાવેટીયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં શિસ્ત જળવાઈ રહે તે હેતુથી તેઓ રાત્રે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં ઘણીવાર જમવાની ડિશો રૂમમાં લઈ જવી, સફાઈ ન રાખવી કે અનધિકૃત સામાન રાખવા જેવી બાબતો બનતી હોય છે, જેની તપાસ અર્થે તેઓ ફરજના ભાગરૂપે ત્યાં ગયા હતા. દારૂ પીને ગયા હોવાના આક્ષેપને તેમણે ધરાર નકારી કાઢતા કહ્યું હતું કે, તેઓ ઊંઘી ગયા હતા અને ત્યાંથી ઉઠીને સીધા ચેકિંગમાં ગયા હોવાથી કદાચ ગેરસમજ થઈ હોઈ શકે, પરંતુ નશાની હાલતની વાત તદ્દન ખોટી છે. અધિકારીના જણાવ્યા મુજબ, બાદમાં બીજા દિવસે ખેલાડી સાથે બેસીને આ મામલે સુખદ સમાધાન પણ કરી લેવામાં આવ્યું છે અને તેમણે પોલીસ સ્ટેશન જઈને પોતાનો ખુલાસો પણ આપી દીધો છે.
ચેકિંગ દરમિયાન કોચ પણ હાજર હતા
વાયરલ થયેલા વીડિયોમાં અને અધિકારીના જણાવ્યા મુજબ, જ્યારે રાત્રે હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે જિલ્લા રમત વિકાસ અધિકારી એકલા ન હતા. તેમની સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈન્ચાર્જ સંચાલક અને એથ્લેટિક્સ કોચ શિવમ ઉપાધ્યાય અને અન્ય એક એથ્લેટિક્સ કોચ ધર્મેન્દ્ર પરમાર પણ હાજર હતા. વીડિયોમાં પણ આ કોચ દેખાઈ રહ્યા છે. અધિકારીએ બચાવમાં આ મુદ્દો પણ ટાંક્યો હતો કે તેઓ અન્ય જવાબદાર કોચની હાજરીમાં જ વિદ્યાર્થીના રૂમમાં ગયા હતા.
ખેલાડી જૂનાગઢ પંથકનો વતની
અધિકારી પર ગંભીર આક્ષેપો કરનાર અને વીડિયો ઉતારનાર ખેલાડી આશિષ ચાવડા મૂળ જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તે એથ્લેટિક્સની રમતમાં ૪૦૦ મીટર દોડમાં પોતાની કારકિર્દી બનાવવા માટે અહીં તાલીમ લઈ રહ્યો છે. ઘટના સમયે વિદ્યાર્થીએ પોતાના મોબાઈલ ફોનથી શૂટિંગ શરૂ કરી દેતા અધિકારી અને વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.


