ધો.1થી 5ની વિદ્યાસહાયક ભરતી માટે 5 જૂનથી પુનઃ જિલ્લા પસંદગી થશે, શિક્ષણ વિભાગે કોલલેટર ડાઉનલોડ કરવાની આપી સૂચના
Teacher Recruitment District re-selection Updates : ગુજરાત શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જ્યારે હવે શિક્ષણ વિભાગે ભરતીના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગીને લઈને કોલલેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે.
પુનઃ જિલ્લા પસંદગી માટે કોલલેટર મેળવવાની સૂચના
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને 05 જૂનથી 28 જૂન 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યાં છે. જેને લઈને તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવામાં આવ્યું છે.
આ ઉપરાંત જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વિભાગની સત્તાવાર વેબસાઈટ ઉપરથી જ ઓનલાઇન કોલલેટર મેળવવાના રહેશે. જેમાં અન્ય કોઈ પ્રકારે કોલલેટર મોકલવામાં આવશે નહી. જેથી 17 મે, 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સુચનાઓ યથાવત રહેશે.
ધો. 1થી 5 માટે વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ
અગાઉ ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કર્યો હતો.