વડોદરા જિ.પંચાયતની મીટિંગ તોફાની બની,વિપક્ષી સભ્યો પ્લેકાર્ડ સાથે સભા ગૃહમાં પ્રવેશતાં હોબાળો
પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય વિભાગ પર ભારે પસ્તાળઃપ્રાથમિક શિક્ષણાધિકારી પહોંચી વળતા નથી છતાં બબ્બે ચાર્જ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે પાંચ મહિના બાદ મળેલી જનરલ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપબાજી થતાં ભારે હોબાળો થયો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓની આચાર ંસંહિતાને કારણે જિલ્લા પંચાયતની પાંચ મહિના બાદ મીટિંગ મળી હતી.જેમાં કોંગ્રેસના સભ્યો વિપક્ષીનેતાની આગેવાનીમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતાં સભાગૃહમાં પ્રવેશતાં ભાજપના સભ્યોએ સ્ટંટ બાજી બંધ કરો તેમ કહી વિરોધ કર્યો હતો.
ત્યારબાદ વિપક્ષી સભ્યોએ પ્રાથમિક શિક્ષણ,આરોગ્ય વિભાગ અને સિંચાઇ- બાંધકામ વિભાગની કામગીરી ખાડે ગઇ હોવાનો આક્ષેપ કરી રજૂઆતો કરી હતી.તેમણે શિક્ષકોની ઘટ,સ્કૂલોની મરામત, ૫૯ જેટલી સ્કૂલોમાં શૌચાલયનો અભાવ જેવા મુદ્દે રજૂઆતો કરી હતી.વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ભાર હળવો કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી છે અને ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી પર કામનું ભારણ હોવા છતાં બબ્બે ચાર્જ અપાયા છે.જે કેટલું યોગ્ય કહેવાય.
આવી જ રીતે વલણ અને કરચિયાના કાંસની સફાઇમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાની પણ રજૂઆતો કરી હતી.જ્યારે,અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા હોવાથી ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા હોવાની પણ રજૂઆત કરી હતી.આ દરમિયાન ભાજપના ચૂંટાયેલા સભ્યો અધિકારીઓનો બચાવ કરતા હોવાથી
તમે નથી કર્યું એટલે અમારે કરવું પડે છેઃ ભાજપ...30 વર્ષથી સત્તા તો તમારી છેઃકોંગ્રેસ
વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગમાં સામસામે આક્ષેપબાજી થતાં માહોલ ગરમાયો હતો.
કોંગ્રેસના સભ્યોની રજૂઆતો સામે અધિકારીઓને બદલે ભાજપના સભ્યો જવાબો આપી તેમનો બચાવ કરવાની ભૂમિકામાં આવી ગયા હતા.તેમણે એમ કહ્યું હતું કે,આ બધી સમસ્યા તમારા તરફથી મળેલી છે.જેથી કોંગી સભ્યોએ વળતો જવાબ આપ્યો હતો કે,૩૦ વર્ષથી તમારી પાસે સત્તા છે,ક્યાં સુધી અમારા પર ઢોળી દેશો.
આ દરમિયાન કોંગ્રેસના ટુંડાવના સભ્યએ કાંસની સફાઇના મુદ્દે અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે,અધિકારીઓને માત્ર કટકીમાં જ રસ છે.અમારું મોં ના ખોલાવો તો સારું.
જ્ઞાાન સહાયક શિક્ષક પંચાયતના સભ્ય બનતાં વિવાદ
પાદરા તાલુકાના અભોર ગામે જ્ઞાાન સહાયક શિક્ષક તરીકે પસંદ થયેલા એક શિક્ષક અભોર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયા છે.આ બાબતે ચર્ચાનો વિષય બનતાં જિલ્લા પંચાયતના વડુના સદસ્યએ સભામાં રજૂઆત કરી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે ,આ મુદ્દે શું કરવું તેનો નિર્ણય લેવા રાજ્ય સરકાર પાસે માર્ગ દર્શન માંગ્યું છે.
નવા સરપંચ કામ કરાવે છે,જિ.પં.ના સભ્યનું કોઇ સાંભળતું નથી
વિરોધ પક્ષના નેતાએ સભામાં રજૂઆત કરતાં કહ્યું હતું કે,વલણ રોડ પર ખાડા પડી જતાં વારંવાર જિલ્લા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી.પરંતુ અમારું કોઇ સાંભળતું નથી.નવા સરપંચે આ જ કામ બે દિવસમાં કરાવી દીધું હતું.જેથી અમારું કાંઇ ચાલતું નથી તેમ લોકો કહી રહ્યા છે.