- શાળા, કોલેજો અને સંસ્થામાં ધ્વજવંદન થશે
- શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન બાદ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
સુરેન્દ્રનગર : આજે ૭૭માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૯.૦૦ કલાકે યોજાશે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવશે.
જ્યારે ધ્વજવંદન બાદ મંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે અને ઉપસ્થિત નાગરિકોને પ્રજાજોગ સંદેશ અને જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક ટેબ્લોનું નિદર્શન કરવામાં આવશે. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું પણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.
શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. આવતીકાલ સોમવારે શાળા, કોલેજો, સંસ્થાઓ સહિતમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે.


