આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
- આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
- રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કરાયું : વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા : વૃક્ષારોપણ, રક્તદાન શિબિર યોજાઈ
આણંદ જિલ્લાકક્ષાની ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજીત્રાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે કરાઈ હતી. આણંદ જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સોજીત્રા તાલુકાના વિવિધ કામો માટે રૂા. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિઓનું તથા જિલ્લાના કર્તવ્યનિ કર્મચારીઓ, અધિકારીઓનું સન્માન પણ કરાયું હતું. ઈ-રિક્ષાનું લોકાર્પણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ખેડા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ કઠલાલ નગરની શેઠ એમ.આર. હાઈસ્કૂલમાં ઉજવાયો હતો. જેમાં સશસ્ત્ર જવાનની પરેડ, દેશભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. પોલીસ કર્મચારીઓ, રમતવીરો, ૧૦૮ના કર્મીઓ, અકસ્માતમાં ઈજાગ્રસ્તને મદદ કરનારા વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે આણંદ ટાઉનહોલ ખાતે ત્રિરંગો લહેરાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. ૧૨ સફાઈ કર્મીઓને સન્માનિત કરવા સાથે આણંદ શહેરના ચિખોદરા ચોકડીથી જનતા ચોકડી, આણંદ વિદ્યાનગર માર્ગને આઈકોનિક માર્ગ બનાવવાનું તેમજ આણંદ નગરના વિકાસનો રોડમેપ તૈયાર કરાયો હોવાનું જણાવ્યું હતું.
નડિયાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલમાં કમિશનરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિના ગીતો, નૃત્યો અને નુક્કડ નાટકો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક સલામતી માટે શપથ પણ લેવાયા હતા.